એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણા કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી મુરારી લાલ તયાલ અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ ચાલી રહેલી તપાસમાં તેમની સંપત્તિઓ કામચલાઉ રીતે જપ્ત કરી છે. કામચલાઉ રીતે જપ્ત કરાયેલી કુલ સંપત્તિ કરોડોમાં છે, જેમાં ચંદીગઢ , નવી દિલ્હી અને ગુડગાંવમાં સ્થિત બે ઘર અને સાત એપાર્ટમેન્ટ તેમજ આશરે રૂ. 14.06 કરોડનું બેંક બેલેન્સનો સમાવેશ થાય છે.
ED એ 30 જૂને આ કાર્યવાહી કરી હતી પરંતુ સોમવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી. તત્કાલીન હરિયાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાના મુખ્ય સચિવ તરીકે સેવા આપતા અને ભારતીય સ્પર્ધા પંચ (CCI) ના સભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તયાલે કથિત રીતે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હોવાના મામલે કેન્દ્રીય એજન્સી તયાલ અને અન્ય લોકો સામે તપાસ કરી રહી છે.
6 માર્ચ, 2005 થી 31 ઓક્ટોબર, 2009 સુધી તયાલે પીએસ/સીએમ તરીકે સેવા આપી હતી અને 30 નવેમ્બર, 2009 થી 31 ડિસેમ્બર, 2014 સુધી તેમણે સીસીઆઈના સભ્ય તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો: કચ્છથી પાણી માર્ગે દ્વારકા પહોંચ્યું ઊંટોનું ટોળું! એશિયાની એક માત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (એફઆઈઆર)ના આધારે ઇડીએ આ કેસમાં તપાસ હાથ ધરી હતી. સીબીઆઈએ તેની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો કે 1 જાન્યુઆરી, 2006 થી 31 ડિસેમ્બર, 2014 સુધી તયાલે તેની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ એકઠી કરી હતી.
ED એ તયાલ તેમની પત્ની સવિતા તયાલ અને પુત્ર કાર્તિક તયાલના નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહી હતી, જેમાં તેમના આવકવેરા રિટર્ન અને અન્ય નાણાકીય વ્યવહારોનો સમાવેશ થાય છે.
માનેસરમાં જમીન સંપાદન સંબંધિત કથિત અનિયમિતતાઓ અંગે સીબીઆઈએ 12 ઓગસ્ટ, 2015ના રોજ પ્રથમ એફઆઈઆર નોંધી હતી. પહેલી એફઆઈઆરમાં સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના આધારે, તપાસ એજન્સીએ 2017 માં તયાલ વિરુદ્ધ તેમની કથિત અપ્રમાણસર સંપત્તિ સંબંધિત બીજી એફઆઈઆર નોંધી હતી.
સવિતા તયાલ 2012 માં સરકારી કોલેજના આચાર્ય તરીકે નિવૃત્ત થયા અને તેમને હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) ના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ 2016 માં HPSCમાંથી નિવૃત્ત થયા હતા.