છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બાર નક્સલીઓ માર્યા ગયા છે અને ત્રણ સૈનિકો પણ શહીદ થયા છે. પોલીસ અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બીજાપુર-દંતેવાડા જિલ્લાઓની સરહદે આવેલા પશ્ચિમ બસ્તર ડિવિઝન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા છે, ત્રણ સૈનિકો શહીદ થયા અને બે સૈનિકો ઘાયલ થયા છે.
સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ
બીજાપુર જિલ્લા પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે જિલ્લા રિઝર્વ ગાર્ડ દંતેવાડા-બીજાપુર, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયન આજે સવારે 9 વાગ્યે બીજાપુર-દંતેવાડા જિલ્લાઓની સરહદે આવેલા પશ્ચિમ બસ્તર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ પર તૈનાત કરવામાં આવ્યા હતા. જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ રહ્યો, અને વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા નિર્ણાયક અને આક્રમક કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: વિધવા મહિલાને બોયફ્રેંડ સાથે જિવતી સળગાવી દીધી, સાથે પકડાતા મૃત પતિના સંબંધીઓએ આપી ‘સજા‘
બસ્તર પ્રદેશના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પટ્ટલિંગમે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં એન્કાઉન્ટર સ્થળ પરથી 12 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે, અને SLR રાઇફલ્સ, 303 રાઇફલ્સ અને અન્ય શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સુંદરરાજે જણાવ્યું હતું કે ડીઆરજી બીજાપુરના ત્રણ જવાનો – હેડ કોન્સ્ટેબલ મોનુ વદારી, કોન્સ્ટેબલ દુકારુ ગોંડે અને કોન્સ્ટેબલ રમેશ સોડી – પણ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે બે અન્ય ડીઆરજી કર્મચારીઓ ઘાયલ થયા હતા.
આ વર્ષે છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 275 નક્સલીઓ માર્યા ગયા છે
સુંદરરાજે જણાવ્યું હતું કે ઘાયલ કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષકએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સતત શોધખોળ કામગીરી ચાલી રહી છે, અને વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી સાથે આ વર્ષે છત્તીસગઢમાં અત્યાર સુધીમાં એન્કાઉન્ટરમાં 275 નક્સલીઓ માર્યા ગયા છે. આમાંથી બસ્તર ક્ષેત્રમાં 246 માર્યા ગયા હતા, જેમાં બીજાપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાયપુર ક્ષેત્રમાં આવતા ગારિયાબંદ જિલ્લામાં સત્તાવીસ નક્સલીઓ માર્યા ગયા. રાજ્યના દુર્ગ ક્ષેત્રના મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લામાં બે નક્સલીઓ માર્યા ગયા.





