અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના 12 જૂન 2025 ના રોજ બની હતી. જેમાં 241 મુસાફરોના મોત થયા હતા. આમાં 52 બ્રિટિશ નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જે આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ બધાના મૃતદેહોને સન્માન સાથે બ્રિટન મોકલવામાં આવ્યા હતા. દરમિયાન બ્રિટિશ અખબાર ડેઇલી મેઇલે દાવો કર્યો હતો કે અકસ્માતમાં માર્યા ગયેલા કેટલાક બ્રિટિશ નાગરિકોના મૃતદેહોની ખોટી ઓળખ કરવામાં આવી હતી. ભારતે હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
જાણો ભારતે શું કહ્યું
મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે અહેવાલ જોયો છે અને જ્યારથી આ ચિંતાઓ અને મુદ્દાઓ અમારા ધ્યાન પર લાવવામાં આવ્યા છે, અમે બ્રિટિશ પક્ષ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. બધા નશ્વર અવશેષોને વ્યાવસાયિક રીતે અને મૃતકોની ગરિમાની સંપૂર્ણ કાળજી સાથે સંભાળવામાં આવ્યા હતા.”
આ પણ વાંચો: ભાજપ ખેડૂતોના પૈસા લૂંટીને વૈભવી મહેલો બનાવી રહી છે: ગુજરાતમાં કેજરીવાલ
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય અધિકારીઓ કોઈપણ હાલની ચિંતાઓને દૂર કરવા માટે તેમના બ્રિટિશ સમકક્ષો સાથે સંકલન કરવાનું ચાલુ રાખે છે. યુકે સ્થિત અખબાર ડેઇલી મેઇલે અનેક પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા એક એવિએશન વકીલને ટાંકીને જણાવ્યું હતું કે યુકેમાં પીડિતોના સંબંધીઓને મૃતદેહોની ઓળખમાં ગંભીર ભૂલો વિશે જાણ કરવામાં આવી હતી. અહેવાલમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક પરિવારે અંતિમ સંસ્કારની યોજનાઓ રદ કરવી પડી હતી કારણ કે તેમને આપવામાં આવેલા શબપેટીમાં એક અજાણ્યા મુસાફરના અવશેષો હતા.
એક જ શબપેટીમાં અનેક પીડિતોના અવશેષો
ડેઇલી મેઇલે દાવો કર્યો હતો કે બીજા કિસ્સામાં એક કરતાં વધુ પીડિતોના અવશેષો એક જ શબપેટીમાં મૂકવામાં આવ્યા હતા અને દફનવિધિ પહેલાં તેમને અલગ કરવા પડ્યા હતા. આ કથિત ભૂલો ઇનર વેસ્ટ લંડન કોરોનર ડૉ. ફિયોના વિલ્કોક્સ દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખ ચકાસણી દરમિયાન પ્રકાશમાં આવી હતી, જેમણે પીડિતોના પરિવારો દ્વારા પૂરા પાડવામાં આવેલા ડીએનએ નમૂનાઓનો ઉપયોગ કર્યો હતો.
એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. તેમાં સવાર તમામ 241 નાગરિકો માર્યા ગયા હતા, જેમાં 52 બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થાય છે. જમીન પર રહેલા અન્ય 19 લોકો પણ માર્યા ગયા હતા અને 67 ગંભીર રીતે ઘાયલ થયા હતા.