પહેલગામ આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. આ અંગે દેશવાસીઓમાં ગુસ્સો છે અને તેમણે આ ઘટનાની સખત નિંદા કરી અને પાકિસ્તાનનું પુતળું બાળ્યું છે. તપાસ એજન્સીઓએ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. દરમિયાન અનંતનાગ પોલીસે આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયા રોકડા આપવાની જાહેરાત કરી છે.
અનંતનાગ પોલીસે બુધવારે આ કાયરતાપૂર્ણ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ અંગે પોલીસ દ્વારા એક ફોન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. આ અનંતનાગ SSP નો ફોન નંબર – 9596777666 અને અનંતનાગ PCR ફોન નંબર – 9596777669 છે. તેની સાથે એક ઈમેલ પણ જારી કરવામાં આવ્યો હતો. આ મોબાઇલ નંબર અને ઇમેઇલ પર આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ પણ મળશે.
પહેલગામ હુમલા અંગે સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. રાજનાથ સિંહ 7- લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે. ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલની હાજરીમાં પીએમ નિવાસસ્થાને CCS ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના સંકેતો મળી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.