Pahalgam Attack Update: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ બગડ્યા છે, તણાવ સતત વધી રહ્યો છે. દરમિયાન દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું ચીન આ સમગ્ર તણાવમાં યુદ્ધ લડવાનું છે? જે ડ્રેગન સમય-સમય પર ભારત વિરુદ્ધ નિવેદનો આપતું રહે છે, શું તે તેની વિરુદ્ધ પોતાના સૈનિકો પણ મોકલી શકે છે? જો યુદ્ધ થાય છે તો શું ચીન ખુલ્લેઆમ ભારતની વિરુદ્ધમા આવી શકે છે?
ભારત-પાકિસ્તાન તણાવમાં ચીનની ભૂમિકા
હવે આ પ્રશ્નનો કોઈ સ્પષ્ટ જવાબ નથી, અત્યાર સુધીનો ઇતિહાસ કહે છે કે ચીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈપણ યુદ્ધમાં સીધી દખલગીરી કરી નથી. તેણે મૌખિક યુદ્ધમાં પાકિસ્તાન સાથે મિત્રતા ચોક્કસપણે જાળવી રાખી છે પરંતુ તે ક્યારેય સીધા યુદ્ધમાં કૂદી પડ્યું નથી. આ સંદર્ભમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ચાઇના સ્ટડીઝના પ્રોફેસર, શ્રીકાંત કોંડાપલ્લીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમના મતે જો આ વખતે યુદ્ધ ફાટી નીકળે છે તો એવી શક્યતા છે કે ચીન સીધું યુદ્ધમાં કૂદી પડશે.
આ પણ વાંચો: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે પીએમ મોદીનો રશિયા પ્રવાસ રદ
તેઓ કહે છે કે જો તમે ઇતિહાસના પાનાઓ ખોલો છો તો તમને ખબર પડશે કે વર્ષ 1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધ હોય, 1971નું યુદ્ધ હોય કે કારગિલ, ચીને ક્યારેય પાકિસ્તાનને સીધું સમર્થન આપ્યું નથી પરંતુ ચોક્કસપણે પરોક્ષ રીતે મિત્રતા જાળવી રાખી છે. પરંતુ શક્ય છે કે 2025 માં તે સીધું પાકિસ્તાનને સમર્થન આપે. તેનું કારણ એ છે કે CPEC પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ચીને તેના પર ૫૨ અબજો ડોલર ખર્ચ્યા છે.
અહીં એ પણ સમજવા જેવી વાત છે કે જો યુદ્ધ થાય છે અને પાકિસ્તાનમાં કેટલાક ચીની નાગરિકોને પણ નુકસાન થાય છે તો તે સ્થિતિમાં ચીન વધુ સીધી ભૂમિકા ભજવી શકે છે.
સેનાને ખુલ્લી છૂટ, શું કંઈક મોટું થશે?
આમ તો મંગળવારે સાંજે યોજાયેલી એક હાઈલેવલ બેઠકમાં પીએમ મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી છે. તેમણે ભાર મૂક્યો છે કે સમય અને ટાર્ગેટ બંને સેનાએ નક્કી કરવાનું છે. તેમણે સેનાની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પીએમ દ્વારા આપવામાં આવેલ આ સંકેત એ કહેવા માટે પૂરતા છે કે આગામી દિવસોમાં પાકિસ્તાન સામે કોઈ મોટી કાર્યવાહી થવા જઈ રહી છે અને આતંકવાદીઓને સૌથી મોટી સજા મળવાની છે.