વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ ભારત માટે એક મોટી જાહેરાત કરી છે. નડેલાએ જણાવ્યું હતું કે ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ ભારતમાં ₹1.5 લાખ કરોડનું રોકાણ કરી રહ્યું છે, જે એશિયામાં અત્યાર સુધીનું કંપનીનું સૌથી મોટું રોકાણ છે. નડેલાની જાહેરાતથી ભારતના AI સ્વપ્નને વેગ મળવાની અપેક્ષા છે.
સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ રોકાણ વિશે માહિતી શેર કરી છે. તેમણે પીએમ મોદી સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. સત્ય નડેલાએ લખ્યું, “ભારતમાં AI તકો પર પ્રેરણાદાયી વાતચીત માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર. દેશની મહત્વાકાંક્ષાઓને આગળ વધારવા માટે માઇક્રોસોફ્ટ 17.5 બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે.”
સત્ય નડેલાએ જણાવ્યું હતું કે આ કંપનીનું એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. તેમણે લખ્યું, “આ એશિયામાં અત્યાર સુધીનું અમારું સૌથી મોટું રોકાણ છે, જે ભારતના AI-પ્રથમ ભવિષ્ય માટે જરૂરી માળખાગત સુવિધાઓ, કુશળતા અને ક્ષમતાઓ વિકસાવવામાં મદદ કરે છે.”
આ પણ વાંચો: ભારતના બે ટાપુઓ દરિયો ગળી ગયો! હવે ગુજરાતના દરિયાકાંઠાના આ શહેર પર ખતરો, સમય પણ ખુબ ઓછો બચ્યો
માઈક્રોસોફ્ટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ભારતમાં માઈક્રોસોફ્ટનું રોકાણ ત્રણ સ્તંભો પર કેન્દ્રિત છે, જે વડાપ્રધાન મોદીના વિઝન સાથે સુસંગત છે. નિવેદન અનુસાર, “માઈક્રોસોફ્ટ અને અમે સાથે મળીને આગામી દાયકામાં નવા માપદંડો સ્થાપિત કરવા અને દેશને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી AI પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ લઈ જવા માટે તૈયાર છીએ. અમે એક એવું ભવિષ્ય બનાવી રહ્યા છીએ જે વધુ ન્યાયી હોય.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતમાં માઈક્રોસોફ્ટનું રોકાણ ત્રણ સ્તંભો પર કેન્દ્રિત છે: સ્કેલ, કુશળતા અને સાર્વભૌમત્વ, જે વડા પ્રધાનના વિઝન સાથે સુસંગત છે.”





