India Canada Rift: ભારત અને કેનેડા વચ્ચે સંબંધો ખરાબ ચાલી રહ્યા છે. બંને તરફથી તણાવની સ્થિતિ છે અને તેની અસર તે ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડી શકે છે જે હાલના સમયમાં કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તો ત્યાં જવા માંગે છે. તમને જણાવી દઈએ કે, હરિયાણા અને પંજાબ સિવાય પણ ઘણા રાજ્યોમાંથી મોટી સંખ્ચામાં વિદ્યાર્થીઓ નોકરી કરવા અથવા અભ્યાસ માટે કેનેડા જાય છે.
2015 થી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ભારતીયોએ કેનેડાના ઈમિગ્રેશન રિફ્યુજીજ અને સિટીઝનશિપ (IRCC)ના આંકડાઓ અનુસાર, 2015થી 2024 સુધીમાં લગભગ 13 લાખ ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડામાં સ્ટડી પરમિટ હાંસલ કરી છે. 2015માં કેનેડામાં 31,920 ભારતીય વિદ્યાર્થીઓ સ્ટડી પરમિટ પર ગયા હતા અને કુલ 219,035 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી આ આંકડો માત્ર 14.5% હતો પરંતુ 2023 સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 278,250 થઈ ગઈ અને 6,82,060 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વચ્ચે આંકડો વધીને 40.7% થઈ ગયો હતો.
2023ની તુલનામાં 2024માં સ્ટડી પરમિટમાં લગભગ 4%નો ઘટાડો આવી ગયો છે અને તેની પાછળ કારણ એ છે કે આ વર્ષે કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર પ્રતિબંધ લગાવ્યા છે અને સ્ટડી પરમિટની પ્રક્રિયામાં બદલાવ લાગુ કર્યા છે. તે છતા કેનેડામાં હાલના સમયમાં લગભગ 6 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં નવાં દાખલાવાળા અને પહેલાથી ભણી રહેલા વિદ્યાર્થીઓ સામેલ છે.
આ પણ વાંચો: ચેન્નાઈમાં વરસાદથી લોકોના હાલ બેહાલ, સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી
ટોરન્ટોમાં અભ્યાસ કરી રહેલી જાલંધરની એમબીએની વિદ્યાર્થિની તન્વી શર્મા ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં તણાવને લઈ કોઈપણ પ્રકારની ચિંતા વિના દેખાઈ હતી અને કહ્યું કે, આનાથી ભારતના વિદ્યાર્થીઓના રોજિંદા જીવન પર કોઈ અસર થઈ નથી પરંતુ તેમ છતાં કેટલીક ચિંતાઓ છે.
એ જ રીતે પંજાબના કપૂરથલાની રહેવાસી હરમનપ્રીત કૌર, જે નોવા સ્કોટીયામાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી રહી છે, તે કહે છે કે વિદ્યાર્થીઓ રાજકીય બાબતો પર નહીં પરંતુ તેમના અભ્યાસ અને રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે પરંતુ માતાપિતા ચિંતિત છે અને તેઓ ક્યારેક અમને કહે છે કે આપણે બીજા દેશમાં સ્થળાંતર વિશે વિચારવું જોઈએ.
ટોરોન્ટોમાં રહેતા અન્ય એક વિદ્યાર્થી યથાર્થે પણ કહ્યું કે આ વિવાદને કારણે વિદ્યાર્થીઓમાં કોઈ ચિંતા નથી પરંતુ ભારતમાં તેમના પરિવારો ચોક્કસપણે ચિંતિત છે. તેમણે કહ્યું કે ગત વર્ષથી ચાલી રહેલા તંગ વાતાવરણ છતાં કેનેડાએ સ્ટુડન્ટ વિઝા આપવાનું બંધ કર્યું નથી અને તેના કારણે રાજકીય વાતાવરણમાં ઉથલપાથલ છતાં શિક્ષણ ક્ષેત્ર સ્થિર છે. અર્શદીપ કૌર અને નવપ્રીત સિંહનું કહેવું છે કે તેઓએ કેનેડા જવાની તેમની યોજના હાલ પુરતી મુલતવી રાખી છે.
એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે સ્ટડી પરમિટ પરના નિયંત્રણોને કારણે વિદ્યાર્થીઓની કેનેડા જવાની ઈચ્છા ઘટી છે અને રાજદ્વારી તણાવને કારણે આમાં વધુ વધારો થઈ શકે છે. એજ્યુકેશન કન્સલ્ટન્ટ તીરથ સિંહે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે બંને દેશો તણાવપૂર્ણ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે અને હજારો ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ સંતુલનમાં લટકી રહ્યું છે.





