Strait Of Hormuz News: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીના કારણે પરિસ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે, જેનાથી તેમની પરમાણુ ક્ષમતાનો નાશ થયો છે. હવે ઈરાને પણ બદલો લીધો છે તેણે અમેરિકન હુમલાનો જવાબ આખી દુનિયાને આપ્યો છે. અહેવાલ છે કે ઈરાન હવે સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ‘સ્ટોરેટ ઓફ હોર્મુઝ’ બંધ કરવા જઈ રહ્યું છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાનની સંસદે આ નિર્ણયને મંજૂરી આપી છે, હવે તેને અમલમાં મૂકવા માટે ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને મોકલવામાં આવશે. હવે ઈરાન ‘સ્ટોરેટ ઓફ હોર્મુઝ’ બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેના વિશે લાંબા સમયથી વાત થઈ રહી છે, નિષ્ણાતો પણ તેને તેનું સૌથી મોટું રાજદ્વારી હથિયાર માને છે. મોટી વાત એ છે કે જો ‘સ્ટોરેટ ઓફ હોર્મુઝ’ બંધ કરવામાં આવે છે, તો તેની અસર ફક્ત ઇઝરાયલ પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને થશે.
સમજવા જેવી વાત એ છે કે ઈરાન જે માર્ગને બંધ કરવાની વાત કરી રહ્યું છે તે વિશ્વના તેલ અને ગેસનો 20 ટકા પુરવઠો પૂરો પાડે છે.
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત
હોર્મુઝ સ્ટ્રેટ શું છે?
હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન અને ઓમાન વચ્ચેનો એક મહત્વપૂર્ણ સાંકડો જળમાર્ગ છે અને પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડે છે. યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) તેને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન ચોકપોઇન્ટ કહે છે, જ્યાં વૈશ્વિક પ્રવાહી પેટ્રોલિયમ ઇંધણ વપરાશ અને વૈશ્વિક લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) વેપારનો લગભગ પાંચમો ભાગ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.
ઇરાક, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા મુખ્ય પશ્ચિમ એશિયાઈ સપ્લાયર્સમાંથી ભારતનું મોટાભાગનું તેલ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારતીય બંદરો સુધી પહોંચે છે. ભારતની LNG આયાતનો મોટો ભાગ (મુખ્યત્વે કતારથી) પણ આ મહત્વપૂર્ણ ચોકપોઇન્ટમાંથી આવે છે.