Gaganyaan Mission: ગગનયાન મિશન ક્યારે અને કેવી રીતે આકાશમાં તિરંગો લહેરાવશે? જાણો તમામ લેટેસ્ટ અપડેટ્સ

ભારત આકાશમાં ઐતિહાસિક સફળતા માટે સજ્જ છે. ઇસરો ગગનયાન મિશન માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. ISRO ના ગગનયાન મિશન વિશે જાણો બધું જ. ભારત ક્યારે મોકલશે માણસને અંતરિક્ષમાં? અવકાશયાત્રીઓની ટ્રેનિંગ અને મિશનની સુરક્ષા વિશે વિગતવાર અહેવાલ.

ભારત આકાશમાં ઐતિહાસિક સફળતા માટે સજ્જ છે. ઇસરો ગગનયાન મિશન માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. ISRO ના ગગનયાન મિશન વિશે જાણો બધું જ. ભારત ક્યારે મોકલશે માણસને અંતરિક્ષમાં? અવકાશયાત્રીઓની ટ્રેનિંગ અને મિશનની સુરક્ષા વિશે વિગતવાર અહેવાલ.

author-image
Haresh Suthar
New Update
ગગનયાન મિશન સફળતા માટે ઇસરો સજ્જ - Gaganyaan ISRO Mission latest updates

Gaganyaan: ગગનયાન મિશન ક્યારે અને કેવી રીતે આકાશમાં તિરંગો લહેરાવશે? જાણો તમામ લેટેસ્ટ અપડેટ્સ Photograph: (ISRO)

Gaganyaan Mission News: ગગનયાન મિશન ભારતનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. SpaceX ચંદ્ર પર શહેર વસાવવાની વાત કરે છે, ત્યાં ભારત ગગનયાન દ્વારા અંતરિક્ષમાં ઐતિહાસિક છલાંગ લગાવવા તૈયાર છે. ચંદ્રયાન-૩ ની ભવ્ય સફળતા બાદ હવે સમગ્ર વિશ્વની નજર ભારતની સૌથી મોટી અવકાશ સફર એટલે કે 'ગગનયાન' (Gaganyaan) પર છે. આ માત્ર એક મિશન નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનું મોટું સપનું છે કે ભારત પોતાના રોકેટમાં ભારતીય અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલે. ISRO અત્યારે મિશનના સૌથી નિર્ણાયક 'ક્રૂ મોડ્યુલ' (Crew Module) અને 'એસ્કેપ સિસ્ટમ' પર અંતિમ પરીક્ષણો કરી રહ્યું છે.

Advertisment

શું છે ગગનયાન મિશન?

ગગનયાન મિશનનો મુખ્ય હેતુ ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર આવેલ નીચી ભ્રમણકક્ષા (Low Earth Orbit) માં ૩ દિવસ માટે મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. આ મિશન સફળ થતા જ ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી માનવ મિશન મોકલનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.

કોણ છે ભારતના આ 'ગગનયાત્રીઓ'?

ભારતીય વાયુસેનાના ચાર બહાદુર પાયલટ ભારતના આ ઐતિહાસિક ગગનયાન મિશનનો હિસ્સો બનશે. આ ચાર પાયલટ પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજિત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને શુભાંશુ શુક્લા અત્યારે આ મિશન માટે કડક ટ્રેનિંગ લઈ રહ્યા છે. રશિયામાં બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ હાલમાં બેંગલુરુ સ્થિત એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી તાલીમ કેન્દ્રમાં મિશનની જટિલતાઓ અને શૂન્ય ગુરુત્વાકર્ષણ (Zero Gravity) માં રહેવાના અભ્યાસ કરી રહ્યા છે.

ગગનયાન વિશે જાણવા જેવું

LVM3 રોકેટ: આ મિશન માટે ભારતના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 (લોન્ચ વ્હીકલ માર્ક-3) નો ઉપયોગ થશે, જેને 'બાહુબલી' રોકેટ પણ કહેવામાં આવે છે.

Advertisment

વ્યોમમિત્ર (Vyommitra): મનુષ્ય પહેલા ઇસરો એક 'હાફ હ્યુમનૉઇડ' (મહિલા રોબોટ) મોકલશે, જેનું નામ 'વ્યોમમિત્ર' છે. તે અવકાશમાં માનવ શરીર પર થતી અસરો અંગેની તપાસ કરશે.

સુરક્ષા કવચ: મિશનમાં જો કોઈ ખામી સર્જાય તો અવકાશયાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે 'ક્રૂ એસ્કેપ સિસ્ટમ' (CES) ખાસ તૈયાર કરવામાં આવી છે.

લેન્ડિંગ: અવકાશયાત્રીઓ જ્યારે પાછા આવશે ત્યારે તેમનું કેપ્સ્યુલ હિંદ મહાસાગર અથવા અરબી સમુદ્રમાં લેન્ડ થશે, જ્યાંથી ભારતીય નૌસેના તેમને સુરક્ષિત બહાર લાવશે.

ગગનયાન મિશન ક્યારે લોન્ચ થશે?

તાજેતરના અપડેટ્સ મુજબ, 2026 ના અંત સુધીમાં ભારત પ્રથમ માનવ રહિત (Uncrewed) મિશન અને ત્યારબાદ 2027 માં વાસ્તવિક માનવ મિશન લોન્ચ કરી શકે છે. ઇસરો કોઈ ઉતાવળ કરવાને બદલે 'સેફ્ટી ફર્સ્ટ' (સુરક્ષા પ્રથમ) ના સિદ્ધાંત પર કામ કરી રહ્યું છે.

ગગનયાન મિશન કેવું છે? કેવી રીતે પૃથ્વીથી 400 કિમી ઉપર જશે? 

ભારત સહિત સમગ્ર વિશ્વ ગગનયાન મિશન માટે આતુર છે. ઇસરોનું 'ગગનયાન' મિશન માત્ર એક રોકેટ લોન્ચ નથી, પરંતુ ભારતીયોના સપનાની એક એવી સફર છે જેમાં પહેલીવાર ભારતીય પૃથ્વીના વાતાવરણની બહાર પગ મૂકશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર જ્યાં શ્વાસ લેવા માટે હવા નથી અને જમીનનો ટેકો નથી, ત્યાં આપણા ગગનયાત્રીઓ ૩ દિવસ કેવી રીતે વિતાવશે?

8 મિનિટ શૂન્યમાંથી અનંતમાં લઇ જશે

ગગનયાન સફરની શરૂઆત થશે ઇસરોના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 (બાહુબલી) દ્વારા. આ રોકેટ લોન્ચ થયા બાદ 8 મિનિટમાં શૂન્યમાંથી અનંતમાં પહોંચી જશે. લોન્ચિંગની માત્ર 8 મિનિટમાં આ રોકેટ ગગનયાત્રીઓને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની મજબૂત પકડમાંથી છોડાવી 400 કિમીની ઊંચાઈએ પહોંચાડી દેશે. એકવાર નિશ્ચિત ઊંચાઈ પર પહોંચ્યા પછી, રોકેટ ગગનયાત્રીઓ જેની અંદર બેઠા છે તે  ઓર્બિટલ મોડ્યુલ ને અવકાશમાં તરતું મૂકીને પોતે અલગ થઈ જશે.

ગગનયાન મિશન અંતર્ગત ઓર્બિટલ મોડ્યુલ પૃથ્વીની પ્રદક્ષિણા કરશે - Orbital module orbiting the Earth
રોકેટથી અલગ થયા બાદ ગગનયાત્રીઓ સાથેનું ઓર્બિટલ મોડ્યુલ 28 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરતું રહેશે Photograph: (ISRO Social)

28 હજાર કિમીની ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા

અવકાશમાં પહોંચ્યા પછી ગગનયાત્રીઓ જે 'ઓર્બિટલ મોડ્યુલ'માં રહેશે, તે ખાસ ડિઝાઇન કરાયેલ એક નાના રૂમ જેવું હશે. પરંતુ અહીંની દુનિયા પૃથ્વી કરતા સાવ અલગ હશે. 

શું આ મોડ્યુલ એક જગ્યાએ ઊભું રહેશે? તો જવાબ છે ના. જો તે એક જગ્યાએ સ્થિર ઉભું રહે તો અદ્રશ્ય બળ તેને ખેંચી લે અને તે અનંતમાં ખોવાઇ જાય. તેથી તે 28 હજાર કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ફરતું રહેશે. 

હવામાં તરતું ઘર: શૂન્ય ગુરુત્વાકર્ષણ (Zero Gravity) ના કારણે ગગનયાત્રીઓ જમીન પર પગ નહીં મૂકી શકે. તેઓ સતત હવામાં તરતા રહેશે. ભોજનના ટુકડાથી લઈને પાણીના ટીપાં સુધી બધું જ હવામાં તરતું હશે.

ઓર્બિટલ મોડ્યુલમાં કૃત્રિમ વાતાવરણ: ગગનયાત્રીઓ માટે ઓર્બિટલ મોડ્યુલ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મોડ્યુલની બહાર ભલે હાડ થીજવતી ઠંડી હોય કે ચામડી દઝાડતી ગરમી હોય, પરંતુ તેની અંદરની અત્યાધુનિક સિસ્ટમ પૃથ્વી જેવું જ 20-25 ડિગ્રી તાપમાન અને ઓક્સિજન જાળવી રાખશે. જેથી ગગનયાત્રીઓને મુશ્કેલી ન પડે. 

ગગનયાન મિશન પૃથ્વી પર પરત કેવી રીતે આવશે- ISRO Gaganyaan Landing Process
ગગનયાન મિશનની સફળતા માટે ઇસરો સજ્જ છે. ગગનયાત્રીઓને સુરક્ષિત પૃથ્વી પર પરત લવાશે. 1. ઓર્બિટલ મોડ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવશશે. 2. એ સમયે મોડ્યુલની ગતિ તીવ્ર હશે. 3. તીવ્ર ગતિને લીધે મોડ્યુલ આગના ગોળામાં ફેરવાશે. જોકે ખાસ દિવાલ ગગનયાત્રીઓને સુરક્ષિત રાખશે. 4. પૃથ્વીથી 10 કિમીના અંતરે પેરાશૂટ ખોલી ઝડપ ઓછી કરાશે. 5. ગગનયાત્રીઓને દરિયામાં સફળ લેન્ડિંગ કરાવાશે. Photograph: (ISRO Social)

રી-એન્ટ્રી: જ્યારે ગગનયાન 'અગનગોળો' બનશે

ગગનયાત્રીઓને પરત લાવવાનો ભાગ મિશનનો સૌથી ખતરનાક ભાગ છે. અવકાશમાં ત્રણ દિવસના રોકાણ પછી જ્યારે ગગનયાત્રીઓ નીચે આવશે એ માટે પણ ખાસ પ્લાન તૈયાર કરાયો છે. જ્યારે કોઇ વસ્તુ અવકાશમાંથી પૃથ્વી તરફ આવે ત્યારે તેની ઝડપ અતિ ભયાનક હોય છે.

જો એની ઝડપને કંટ્રોલ કરવામાં ન આવે તો એ મોટી હોનારત સર્જી શકે છે. એટલા માટે ગગનયાત્રીઓને પરત લાવવામાં આવશે ત્યારે તેમની ઝડપ ઘટાડવા માટે મોડ્યુલના એન્જિનોને ઉંધી દિશામાં (Retro-firing) ફાયર કરવામાં આવશે. 

આ પણ વાંચો | એલોન મસ્ક ચંદ્ર પર બનાવશે પોતાની મેળે વિકસતું શહેર

જેમ જેમ મોડ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે હવાનું ઘર્ષણ એટલું વધી જાય છે કે બહારનું તાપમાન 1600 થી 2000 ડિગ્રી સેલ્શિય સુધી પહોંચી જાય છે. આ સમયે ગગનયાન એક અગનગોળા જેવું દેખાશે.

આ સમયે નીચે લાગેલી ખાસ 'હીટ શીલ્ડ' ગગનયાત્રીઓને સુરક્ષિત રાખશે. આ પ્રક્રિયા દરમિયાન 3 થી 5 મિનિટ માટે પૃથ્વી સાથેનો તમામ સંપર્ક પણ તૂટી જશે, જેને 'બ્લેકઆઉટ' કહેવાય છે. આ સ્થિતિ એક સમયે ભગવાન ભરોસે જેવી હોય છે. 

દરિયામાં ઉતરાણ: સુરક્ષિત ઘર વાપસી

જ્યારે ગગનયાન જમીનથી 10 કિમી ઉપર હશે, ત્યારે મોટા પેરાશૂટ ખુલશે જે તેની ઝડપને એકદમ ધીમી કરી દેશે. ધીરે ધીરે તે પોતાની ઝડપ ઓછું કરતું જશે અને અંતે, ગગનયાન અરબી સમુદ્રમાં ઉતરાણ (સ્પ્લેશડાઉન) કરશે. ભારતીય નૌસેનાની ટીમ ત્યાં પહેલેથી જ તૈનાત હશે જે ગગનયાત્રીઓને સુરક્ષિત બહાર કાઢશે.

આ પણ વાંચો | સૂર્ય પર દેખાયું પૃથ્વી કરતાં 20 ગણું મોટું છિદ્ર, જાણો શું છે કોરોનલ હોલ

ગગનયાન મિશનની સફળતા માટે ઇસરો દ્વારા અત્યારે સફળ ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ તમામ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે ગગનયાત્રીઓ પણ સજ્જ બની રહ્યા છે. આ મિશનની સફળતા માટે ઇસરો અને ગગનયાત્રીઓ જ નહીં પરંતુ દરેક ભારતીયો આતુર છે. 

નવી ઊંચાઈઓ તરફ ભારત

ગગનયાન મિશન સફળ થવાથી ભારત માત્ર અવકાશમાં માણસ જ નહીં મોકલે, પરંતુ ભવિષ્યમાં ભારતના પોતાના 'સ્પેસ સ્ટેશન' (Bharatiya Antariksha Station) બનાવવા તરફ પાયો નાખશે. આ મિશન સાથે ભારત સાબિત કરવા જઇ રહ્યું છે કે તે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત હવે વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે.

શું તમે ગગનયાત્રીઓ અવકાશમાં 3 દિવસ શું કરશે? તેઓ કેટલા સજ્જ છે? સહિત વધુ વિગતો અને વિજ્ઞાન વિશે વધુ જાણવો ઇચ્છો છો? તો અચૂક જણાવો (haresh.suthar@indianexpress.com)

લેખકના પરિચય વિશે (Author Bio for EEAT):

હરેશ સુથાર ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીમાં Editor તરીકે કાર્યરત છે. મીડિયામાં ૨૩ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને રાજકારણ જેવા જટિલ વિષયોનું ઊંડું વિશ્લેષણ કરી તેને સામાન્ય વાચકો માટે સરળ ભાષામાં 'Explained' ફોર્મેટમાં રજૂ કરવામાં તેમની હથોટી છે.

ISRO ગગનયાન science એક્સપ્રેસ એક્સપ્લેન