રાજસ્થાનની રાજધાની જયપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં જેલમાંથી બહાર આવીને હોસ્પિટલ જવા માટે આવેલા કેદીઓ મજા કરતા પકડાયા હતા. જયપુર સેન્ટ્રલ જેલના ચાર કેદીઓ સારવાર માટે રેફરલ સ્લિપ મેળવ્યા બાદ બહાર આવ્યા હતા. તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં જવાના હતા પરંતુ તેઓ હોટલ પહોંચ્યા અને બાદમાં કેટલાક તેમની ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે ફરતા અને ખાતા-પીતા જોવા મળ્યા. આ ઘટનાથી જેલ અને પોલીસ પ્રશાસનનું નામ ખરાબ થયું છે.
પોલીસે સોમવારે જણાવ્યું હતું કે આ કેસમાં રવિવારે પાંચ કોન્સ્ટેબલ, ચાર કેદીઓ અને તેમના ચાર સંબંધીઓ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેદીઓએ કથિત રીતે જેલની બહાર થોડા કલાકો ‘ફરવા અને મજા કરવા’ માટે લાંચ આપી હતી.
મેડિકલ ચેકઅપ કરાવવાને બદલે કેદીઓ ફરવા ગયા
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે પાંચ કેદીઓએ કથિત રીતે SMS હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે મંજૂરી લીધી હતી. પરંતુ તેમાંથી ચાર, રફીક બકરી, ભંવર લાલ, અંકિત બંસલ અને કરણ ગુપ્તાએ ડૉક્ટર પાસે જવાને બદલે શહેરમાં આખો દિવસ આરામથી વિતાવવા માટે લાંચ આપી હતી. ફક્ત એક કેદીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શનિવારે સાંજે 5.30 વાગ્યા સુધી ચારેયમાંથી કોઈ જેલમાં પાછો ફર્યો નહીં.
તપાસમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “એક વચેટિયા દ્વારા લગભગ 25,000 રૂપિયામાં બહાર ફરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સાથે આવેલા કોન્સ્ટેબલોને 5,000-5,000 રૂપિયાનું આપવાનો વાયદો કરાયો હતો.” ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તેજસ્વિની ગૌતમે જણાવ્યું હતું કે રફીક અને ભંવર તેમની પત્ની અને ભૂતપૂર્વ પ્રેમિકાને અનુક્રમે જલુપુરાની એક હોટલમાં મળ્યા હતા. બાદમાં રફીકની પત્નીના કબજામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું અને NDPS એક્ટ હેઠળ તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સૈર-સપાટાનું આયોજન જેલની અંદરના કેદી દ્વારા કરવામાં આવ્યું હતું
અંકિત અને કરણ એરપોર્ટ નજીકની એક હોટલમાં પોહાનો નાસ્તો કરી રહ્યા હતા ત્યાંથી પકડાયા હતા. આ હોટલનો રૂમ અંકિતની ગર્લફ્રેન્ડ દ્વારા બુક કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે કરણના સંબંધીને એક હોટલમાંથી 45,000 રૂપિયા રોકડા અને અનેક કેદી આઈડી કાર્ડ સાથે અટકાયતમાં લીધો હતો.
આ પણ વાંચો: સવા લાખ રૂપિયાનો પગારદાર વ્યક્તિ ઝોમેટો ડિલિવરી બોય કેમ બન્યો? કહાની સાંભળી તમે પણ કરશો સલામ
જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સૈર-સપાટાનું આયોજન જેલની અંદરના એક દોષિત કેદી દ્વારા કરવામાં આવ્યું હતું. તપાસકર્તાઓનું કહેવું છે કે એપ્રિલથી 200 થી વધુ ફોન કોલ્સ ‘ઇન્ટરસેપ્ટ’ કરવામાં આવ્યા છે, જે લાંચ, મોબાઇલનો અનધિકૃત ઉપયોગ અને મુખ્યમંત્રી ભજન લાલ શર્મા સહિત VIP લોકોને કથિત ધમકીઓનું ઊંડા નેટવર્ક દર્શાવે છે. પોલીસે જણાવ્યું હતું કે સવાઈ માન સિંહ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને જયપુર સેન્ટ્રલ જેલમાં તપાસ અને તલાશી શરૂ કરવામાં આવી છે.