ઉત્તર પ્રદેશ (બુલંદશહેર) ના ફરાના ગામના યુવાન કબડ્ડી ખેલાડી બ્રિજેશ સોલંકીની કહાની હૃદયદ્રાવક છે. 22 વર્ષીય બ્રિજેશ સોલંકી રાજ્ય કક્ષાનો કબડ્ડી ખેલાડી હતો. રાજ્ય ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલિસ્ટ બ્રિજેશ સોલંકી પ્રો કબડ્ડી લીગમાં પસંદગી પામવાનું સ્વપ્ન જોતો હતો. માર્ચ 2025 માં બ્રિજેશે ગામના નાળામાંથી એક શ્વાનનું એક નાનું બચ્ચું બચાવ્યું હતું, પરંતુ શ્વાનનું બચ્ચું તેની આંગળીને બચકું ભર્યું હતું. બ્રિજેશને ઈજાને નાની લાગી. તેણે હડકવાની રસી ન લીધી અને તે પોતાની સામાન્ય દિનચર્યા અને કબડ્ડી પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ ગયો.
26 જૂને પ્રેક્ટિસ દરમિયાન તેનો હાથ સુન્ન થઈ ગયો. બે દિવસ પછી તેને પાણી (હાઈડ્રોફોબિયા) થી ડરવા લાગ્યો. આ હડકવાનું એક મોટું લક્ષણ છે. આ પછી તેને અલીગઢ, મથુરા અને દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યો પરંતુ કોઈએ તેને દાખલ કર્યો નહીં. અંતે નોઈડાની એક ખાનગી હોસ્પિટલે જણાવ્યું કે તે હડકવાથી પીડાઈ રહ્યો છે. ત્યાં સુધીમાં બ્રિજેશની હાલત ગંભીર બની ગઈ હતી.
28 જૂનની સવારે જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે પરિવારે તેને ફેઇથ હીલર (તબીબી સારવારને બદલે ધાર્મિક શ્રદ્ધા અને પ્રાર્થનાથી સારવાર આપનાર) પાસે લઈ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું. બ્રિજેશના મૃત્યુ પછી આરોગ્ય અધિકારીઓએ તેના ગામની મુલાકાત લીધી અને 29 રહેવાસીઓને રસી આપી. હડકવાથી બચવા માટે જાગૃતિ ફેલાવવા માટે એક અભિયાન પણ શરૂ કર્યું.
આ પણ વાંચો: ગુજરાતની આ IAS કેમ ચર્ચામાં, ઇન્સ્ટાગ્રામ પર ફક્ત 22 પોસ્ટ અને ફોલોઅર્સ એક લાખથી વધુ
તેના મૃત્યુ પછી બ્રિજેશ સોલંકીની બગડતી હાલતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે ખૂબ જ હૃદયદ્રાવક હતો. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા તેના ભાઈ સંદીપ કુમારે કહ્યું, ‘તે કબડ્ડી પ્રેક્ટિસ કરવા માટે ગામમાં ગયો હતો. તેણે ગટરમાંથી એક શ્વાનના ગલુડિયાને બહાર કાઢ્યું હતું. ગલુડિયાએ તેને બચકું ભર્યું હતું. તેણે તેના પર ધ્યાન આપ્યું નહીં. અમે હડકવા વિશે સાંભળ્યું ન હતું…. કરડ્યા પછી, અલીગઢ હોસ્પિટલમાં રોગની પુષ્ટિ થઈ. તે પાણી પીવામાં ખચકાટ અનુભવતો હતો… હું સરકાર પાસે માંગ કરું છું કે અમને નોકરી આપવામાં આવે, કારણ કે મારો ભાઈ પરિવારનો એકમાત્ર કમાનાર હતો…’