જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત થયાં. આ ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે, પરંતુ હવે બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આતંકવાદીઓની કૃત્યો કેદ થયા છે. મિની સ્વિટ્ઝર્લૅન્ડમાં મજા માણી રહેલા અને પોતાનો વીડિયો રેકોર્ડ કરી રહેલા અમદાવાદના ઋષી ભટ્ટના કેમેરામાં આતંકવાદી ઘટના અને ગોળીબારનું રેકોર્ડિંગ થયું છે.
આ અંગે મીડિયા સાથે વાતચીતમાં ઋષી ભટ્ટે જણાવ્યું હતું કે, “મારી સામે આતંકવાદીઓએ લોકોને ગોળી મારી હતી. જોકે હું મારી પત્ની અને બાળક પાસે ન હતો માટે મને ગોળી ન વાગી. આતંકવાદીઓએ શરૂઆતની બે મિનિટ સુધી સતત ગોળીબાર કર્યો હતો. વધુમાં ઋષી ભટ્ટે જણાવ્યું કે, મારાથી છ ફૂટ દૂર ઉભેલા બે લોકોને આતંકીઓએ ગોળી દીધી હતી. જોકે સદનસીબે મને ગોળી ના વાગી”.
6 દિવસ પછી નવો વીડિયો વાયરલ
આ વીડિયો ઘટનાના 6 દિવસ પછી સામે આવ્યો છે. વીડિયોમાં એક માણસ મિની સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝિપલાઇન ચલાવતો જોવા મળે છે. પછી ત્યાં ગોળીબાર શરૂ થાય છે. ગોળીબારથી અજાણ તે માણસ સતત વીડિયો બનાવી રહ્યો હતો અને ઉત્સાહથી આનંદ માણી રહ્યો હતો, પરંતુ પછી ત્યાં ગોળીબાર થયો હોવાનો તેને ખ્યાલ આવ્યો હતો.
આ પણ વાંચો: 22 કલાકની મુસાફરી, સિક્રેટ વીડિયો અને… પહેલગામના આતંકવાદીઓના રહસ્યો ખુલ્યા
તે માણસને ખ્યાલ પણ નહોતો કે ત્યાં હત્યાકાંડ ચાલી રહ્યો છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા છે. તે વ્યક્તિ અજાણ્યો હતો. વીડિયોમાં ગોળીબારના અવાજો જોઈ શકાય છે અને ગોળી વાગ્યા બાદ લોકો પડી રહ્યા છે. ઘટનાના લગભગ 6 દિવસ પછી આ ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.