Vijay Shah On Colonel Sofia Qureshi: કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત નિવેદન આપવા બદલ હાઈકોર્ટે મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી વિજય શાહને સખત શબ્દોમાં ફટકાર લગાવી છે. નિર્દેશ આપવામાં આવ્યો છે કે 4 કલાકની અંદર તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે. એક કાર્યક્રમમાં કર્નલ સોફિયાનું નામ લીધા વગર વિજય શાહે એવું નિવેદન આપ્યું જેના કારણે તેઓ ખરાબ રીતે ફસાઇ ગયા છે, કોંગ્રેસે પણ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મંત્રી વિજય શાહે શું કહ્યું હતું?
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વિજય શાહે કહ્યું હતું કે જે લોકોએ અમારી દીકરીઓના સિંદૂરને નષ્ટ કરી દીધું છે. તે જ વિકૃત લોકોને તેમની બહેન મોકલીને તેમની ઐસી તૈસી કરાવી. તેઓએ કપડાં ઉતારીને આપણા હિન્દુઓને માર્યા અને મોદીજીએ તેમની બહેનને તેમની ઐસી તૈસી કરવા માટે આપણા જહાજથી તેમના ઘરે મોકલ્યા. તેમણે નામ લીધા વગર કર્નલ સોફિયાના ધર્મ પર ટિપ્પણી કરી છે. આવામાં તેમને સોશિયલ મિડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
હાઈકોર્ટે શું કહ્યું?
હવે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આ મામલે સ્વત સંજ્ઞાન લીધી અને વિજય શાહને સખત ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટમાં જસ્ટિસ અતુલ શ્રીધરનની ડિવિઝન બેંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની સામે 4 કલાકમાં એફઆઈઆર નોંધવામાં આવે, આ કેસમાં આગામી સુનાવણી આવતીકાલે એટલે કે ગુરુવારે થવા જઈ રહી છે. જો કે ખુદ વિજય શાહે આ વિવાદિત નિવેદન બદલ માફી માંગી છે, તેમણે કહ્યું કે તેને અલગ સંદર્ભમાં ન જોવું જોઈએ કારણ કે ‘આપણી બહેનો’એ ઘણી તાકાત સાથે સેના સાથે મળીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે.
આ પણ વાંચો – પાકિસ્તાન સાથે સીઝફાયર પર ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું – ટ્રેડને લઇને કોઇ વાતચીત થઇ નથી
કોંગ્રેસે કર્યો પ્રહાર
કોંગ્રેસે આ વિવાદને પકડીને વિજય શાહના રાજીનામાની માંગણી કરી છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ ‘એક્સ’ પર વિજય શાહનો વીડિયો શેર કરતા સવાલ કર્યો હતો કે ભાજપને તાત્કાલિક એ જણાવે કે શું તે વિજય શાહની ખરાબ વિચાર સાથે સંમત છે? તેમણે મુખ્યમંત્રી મોહન યાદવ પાસે વિજય શાહની ટિપ્પણી પર જવાબ માંગ્યો છે.