Maharashtra Politics: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પુણે જિલ્લાના માલેગાંવના મતદાતાઓને કહ્યું છે કે જો તેઓ તેમના પક્ષના ઉમેદવારોને ચૂંટે છે, તો તેઓ ખાતરી કરશે કે શહેર માટે ભંડોળની કોઈ અછત ના રહે. પવારે એમ પણ કહ્યું હતું કે જો મતદારો તેમના ઉમેદવારોને નકારે છે, તો તેઓ (પવાર) પણ ભંડોળ પૂરું પાડશે નહીં.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અજિત પવારે શુક્રવારે બારામતી તાલુકામાં માલેગાંવ નગર પંચાયત ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. પવાર ભાજપ-NCP-શિવસેના ગઠબંધન સરકારમાં નાણાં મંત્રાલય ધરાવે છે.
નાયબ મુખ્યમંત્રીએ મતદારોને કહ્યું, “જો તમે બધા 18 NCP ઉમેદવારોને ચૂંટો છો તો હું ખાતરી કરીશ કે ભંડોળની કોઈ અછત ના રહે. જો તમે બધા 18 ઉમેદવારોને ચૂંટો છો તો હું મારું વચન પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છું. પરંતુ જો તમે ના પાડો છો, તો હું પણ ના પાડીશ. તમારી પાસે મત છે મારી પાસે વિકાસ કાર્ય માટે પૈસા છે.”
આ પણ વાંચો: શું ઝેલેન્સ્કી યુક્રેનનો કેટલોક ભાગ રશિયાને સોંપી દેશે? શું હવે કોઈ વિકલ્પ બચ્યો પણ છે?
અજિત પવારની ટિપ્પણીની વિરોધ પક્ષો તરફથી આકરી ટીકા થઈ છે. શિવસેના (ઉબાઠા) ના નેતા અંબાદાસ દાનવેએ અજિત પવાર પર મતદારોને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. દાનવેએ પ્રશ્ન કર્યો, “આ પૈસા અજિત પવારના ઘરેથી નહીં પરંતુ સામાન્ય લોકો દ્વારા ચૂકવવામાં આવતા કરમાંથી પૂરા પાડવામાં આવે છે. જો પવાર જેવા નેતાઓ મતદારોને ડરાવી રહ્યા હોય તો ચૂંટણી પંચ શું કરી રહ્યું છે?”
નગર પંચાયતની ચૂંટણી 2 ડિસેમ્બરે યોજાવાની છે. અજિત પવારની આગેવાની હેઠળની NCP અને ભારતીય જનતા પાર્ટી (BJP) સમર્થિત પેનલે માલેગાંવમાં ગઠબંધન બનાવ્યું છે.





