આજે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ સરકાર તમામ ક્ષેત્રોમાં રોજગાર ઉત્પન્ન કરવા અને સામાજિક સુરક્ષા વધારવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ સરકાર 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ લોકોને રોજગાર આપવાની યોજના ધરાવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રથમ વખત કામ કરતા કામદારોને પ્રોત્સાહન આપવાનો છે તેમજ દેશમાં બેરોજગારી ઘટાડવાનો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ યોજના વિશે વિગતવાર માહિતી શેર કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના 2 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે 3.5 કરોડથી વધુ નોકરીઓના રોજગાર સર્જનને સમર્થન આપવા માટે બનાવવામાં આવી છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કરી હતી.
આ સબસિડી બે હપ્તામાં ઉપલબ્ધ થશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેનું ધ્યાન ઉત્પાદન ક્ષેત્ર પર રહેશે. તેના બે ભાગ ફર્સ્ટ ટાઇમર અને સસ્ટેન એમ્પ્લાઇમેન્ટ માટે બનાવવામાં આવ્યા છે. પહેલી વાર નોકરી શોધનારાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ કારણોસર પહેલી વાર નોકરી શોધનારાઓ પર સબસિડી મંજૂર કરવામાં આવી છે, જેમાં મહત્તમ 15,000 રૂપિયા આપવામાં આવશે. આ બે હપ્તામાં આપવામાં આવશે, એક છ મહિનામાં અને બીજી 12 મહિનામાં. આ સબસિડીનો લાભ કંપનીઓને આપવામાં આવશે. બીજું જો ટકાઉ રોજગાર આપવામાં આવે છે તો આ હેઠળ દરેક કર્મચારીને 2 વર્ષ માટે દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આનાથી રોજગારની વધુ તકો ખુલશે.
આ પણ વાંચો: સુરતમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, ₹.943 કરોડના આર્થિક વ્યવહારો આવ્યા સામે
ELI યોજના શું છે?
ELI યોજનાનું પૂરું નામ એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં મહત્તમ રોજગારની તકો ઊભી કરવાનો છે. આ યોજના તમામ ક્ષેત્રોમાં લાગુ પડશે, પરંતુ ખાસ ધ્યાન ઉત્પાદન ક્ષેત્ર પર રહેશે. આ યોજના હેઠળના લાભો ફક્ત તે નોકરીઓને જ લાગુ પડશે જે 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 ની વચ્ચે આપવામાં આવશે.





