ગુરૂના ચંદ્રમા પર જીવન જરૂરી તત્વોની શોધ કરશે નાસાનું યુરોપા ક્લિપર મિશન, કરશે 2.9 અબજ કિલોમીટરની યાત્રા

Europa Clipper spacecraft: યુરોપા ક્લિપર મિશન નાસાને ચંદ્ર વિશે મહત્વપૂર્ણ નવી માહિતી પ્રદાન કરશે, જે વૈજ્ઞાનિકો માને છે કે તેની બર્ફીલા સપાટીની નીચે પ્રવાહી પાણીનો મહાસાગર હોઈ શકે છે.

Written by Rakesh Parmar
October 14, 2024 20:57 IST
ગુરૂના ચંદ્રમા પર જીવન જરૂરી તત્વોની શોધ કરશે નાસાનું યુરોપા ક્લિપર મિશન, કરશે 2.9 અબજ કિલોમીટરની યાત્રા
યુરોપા ક્લિપર મિશન નાસાને ગુરૂના ચંદ્ર વિશે મહત્વપૂર્ણ નવી માહિતી પ્રદાન કરશે (તસવીર : નાસા)

Europa Clipper spacecraft: વર્ષોથી વૈજ્ઞાનિકો વચ્ચે એ સવાલ ઉઠી રહ્યો છે કે શું પૃથ્વીની જેમ આપણા સૌરમંડળમાં બીજે ક્યાંય જીવન શક્ય છે? મંગળ પર પાણી અને જીવનની શક્યતાઓ શોધવાના પ્રયાસો લાંબા સમયથી ચાલી રહ્યા છે. આ દિશામાં અમેરિકન સ્પેસ એજન્સી નાસા યુરોપા ક્લિપર મિશન શરૂ કરી રહી છે. આ મિશન હેઠળ ગુરુના અનેક ચંદ્રોમાંથી એક યુરોપા પર જીવનની સંભાવના માટે શોધ કરવામાં આવશે. સાડા ​​પાંચ વર્ષની સફર પરનું નાસાનું મિશન આજે સોમવારથી શરૂ થઈ રહ્યું છે.

યુરોપા ક્લિપર મિશન નાસાને ગુરૂના ચંદ્ર વિશે મહત્વપૂર્ણ નવી માહિતી પ્રદાન કરશે, જે વૈજ્ઞાનિકો માને છે કે તેની બર્ફીલા સપાટીની નીચે પ્રવાહી પાણીનો મહાસાગર હોઈ શકે છે. નાસા દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુરોપા ક્લિપર અવકાશયાન સોમવાર, 14 ઓક્ટોબરના રોજ કેપ કેનાવેરલ, ફ્લોરિડાના શક્તિશાળી સ્પેસએક્સ ફાલ્કન હેવી રોકેટ પર સવાર થવા જઈ રહ્યું છે. આ વાહન નવ વૈજ્ઞાનિક સાધનો વહન કરે છે. યુરોપા ક્લિપર સાડા પાંચ વર્ષમાં 2.9 અબજ કિલોમીટરની મુસાફરી કરશે અને 2030માં ગુરુની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.

નાસાએ જણાવ્યું કે મિશન કેમ ખાસ હશે

નાસાના અધિકારી ગીના ડીબ્રાકિયોએ તાજેતરમાં જણાવ્યું હતું કે યુરોપા પૃથ્વીની બહારના જીવનની શોધ માટે સૌથી આશાસ્પદ સ્થળો પૈકીનું એક છે. આ મિશન સીધા જીવનના ચિહ્નો શોધી શકશે નહીં, પરંતુ તેના બદલે યુરોપામાં એવા તત્વો છે કે જે જીવનને અસ્તિત્વમાં રહેવા દે છે તે પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે. જો આવું થાય તો તેને શોધવાનો પ્રયાસ કરવા માટે અન્ય મિશનની જરૂર પડશે.

યુરોપા ક્લિપર પ્રોગ્રામ સાયન્ટિસ્ટ કર્ટ નીબુહરનું કહેવું છે કે,’આ આપણા માટે મંગળ જેવી દુનિયાની શોધ કરવાની તક નથી કે જે અબજો વર્ષો પહેલા રહેવાલાયક હશે. તેના બદલે તે એવી દુનિયાની શોધખોળ કરવાની તક છે જે આજે અથવા અત્યારે રહેવા યોગ્ય હોઈ શકે છે.

શા માટે વૈજ્ઞાનિકોએ યુરોપા પસંદ કર્યું?

યુરોપાનું અસ્તિત્વ 1610 થી જાણીતું છે. વોયેજર પ્રોબ દ્વારા 1979 માં તેના પ્રથમ ક્લોઝ-અપ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા, જેણે તેની સપાટી પર રહસ્યમય લાલ રેખાઓ જાહેર કરી હતી. બૃહસ્પતિના બર્ફીલા ચંદ્ર સુધી પહોંચવાની આગામી તપાસ 1990માં નાસાની ગેલિલિયો પ્રોબ હતી. તેમવું કહેવું છે કે તે ખૂબ જ સંભવ છે કે ચંદ્ર એક મહાસાગરનું ઘર છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોને યુરોપામાં રસ છે.

નાસાનું યુરોપા ક્લિપર તેના ચુંબકીય દળોને માપવા માટે કેમેરા, સ્પેક્ટ્રોગ્રાફ, રડાર અને મેગ્નેટોમીટર સહિત અસંખ્ય અત્યાધુનિક સાધનો વહન કરશે. તેનો ઉદ્દેશ એ સમજવાનો છે કે જીવન માટે જરૂરી ત્રણ તત્વો – પાણી, ઉર્જા અને કેટલાક રાસાયણિક સંયોજનો – અહીં હાજર છે કે કેમ. જો આમ થાય તો જીવનની શક્યતા તપાસી શકાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ