voyager 1 antenna start again: નાસાના 47 વર્ષ જૂના વોયઝર-1 અંતરિક્ષ યાને તાજેતરમાં જ એક રેડિયો ટ્રાંસમીટર દ્વારા પૃથ્વી સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. નાસાએ એક એવા રેડિયો એંટીના સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે, જેનો ઉપીયોગ 1981 થી કરવામાં આવ્યો ન હતો. કેલિફોર્નિયામાં જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)માં નાસાના એન્જિનિયરોએ 24 ઓક્ટોબરના રોજ તેની સાથે સંપર્ક સ્થાપિત કર્યો. આ અંતરિક્ષ યાન 1977માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અંતરિક્ષ યાનની ઉંમર વધતાની સાથે ટીમે વીજળીની બચત માટે તેના યંત્રોને ધીરે-ધીરે બંધ કરી દીધા હતા.
વોયઝર-1 અંતરિક્ષ યાન પૃથ્વીથી 24 અબજ કિલોમીટર દૂર છે જે સતત આપણને ડેટા મોકલી રહ્યુ છે. આ અંતરિક્ષ યાન પૃથ્વીથી સૌથી દૂરનું સ્પેસક્રાફ્ટ છે. આ હેલિયોસ્ફીયરથી પણ આગળ નીકળી ગયું છે. તેના ઉપકરણ ઈન્ટરસ્ટેલર સ્પેસના નમૂના લેછે. 16 ઓક્ટોબરે તેનું ટ્રાંસમિશન બંધ થઈ ગયું હતું, જેના કારણે સંપર્ક કરવામાં અડચણનો અનુભવ થયો. માનવામાં આવે છે કે, આ શટડાઉન અંતરિક્ષ યાનના ફોલ્ટ પ્રોટેક્શન સિસ્ટમના કારણે થયુ હતું. વીજળીનો વધારે ઉપયોગ થવા પર કેટલીક પ્રણાલીઓને બંધ કરી દે છે.
એક મેસેજમાં લાગે છે 23 કલાક
નાસા અનુસાર, પૃથ્વીથી વોયઝર-1 સુધી સંદેશને જવામાં અને ત્યાંથી આવવામાં અંદાજે 23 કલાક જેટલો સમય લાગે છે. 16 ઓક્ટોબરે જ્યારે નાસાના વૈજ્ઞાનિકોએ એક કમાન્ડ મોકલ્યો તો 18 ઓક્ટોબર સુધી તેમને તેની પ્રતિક્રિયાની જાણકારી મળી નહીં. એક દિવસ બાદ વોયઝર-1 સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો. ટીમને તપાસમાં જાણવા મળ્યું કે, વીજળીની બચત માટે વોયઝર-1ની સિસ્ટમે અંતરિક્ષ યાનના ઓછી શક્તિવાળા ટ્રાંસમીટરને સ્વિચ કરી દીધુ હતું.
એંટીનાનો 1981થી ઉપયોગ થયો ન હતો
વોયઝર 1 માં બે રેડિયો ટ્રાંસમીટર છે. પરંતુ વર્ષોથી માત્ર એકનો જ ઉપીયોગ કરવામાં આવી રહ્યો છે. તેને ‘એક્સ બેંડ’ કહેવામાં આવે છે. જોકે બીજુ ટ્રાંસમીટર જેને ‘એસ બેંડ’ કહેવામાં આવે છે તે એક બીજી ફ્રિક્વેંસીનો ઉપયોગ કરે છે, જેનો ઉપયોગ 1981થી કરાયો ન હતો. વર્તમાનમાં નાસાએ એક્સ બેંડ ટ્રાસમીટર પર ફરીથી સ્વિચ ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. વસ્તુઓને ઠીક કરવામાં ઘણો સમય લાગી શકે છે. વોયઝર-1 ને વોયઝર-2 બાદ લોંચ કરવામાં આવ્યું હતું. પરંતુ ઝડપી માર્ગના કારણે તે પોતાના જુડવાથી પહેલા એસ્ટેરોયડ બેલ્ટની પાર નીકળી ગયું.





