ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન રવિવારે પાંચ દિવસના ભારત પ્રવાસ માટે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને આર્થિક ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મુલાકાત બાદ પીએમ લક્સને મીડિયાને સંબોધિત કરી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે મળેલી હારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીને શુભેચ્છા આપવા માંગે છે કે તેમણે વાતચીત દરમિયાન ન્યૂઝીલેન્ડની હારને લઈ કંઈ વાતચીત કરી નહીં.
જ્યારે પીએમ મોદી સહિત તમામ લોકો હસી પડયા
સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન ન્યુઝીલેન્ડના પીએમ લક્સને કહ્યું કે હું ખરેખર પ્રશંસા કરું છું કે પીએમ મોદીએ ભારત સામે ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારનો મુદ્દો ઉઠાવ્યો નહીં અને મેં ભારતમાં આપણી ટેસ્ટ જીતનો મુદ્દો ઉઠાવ્યો નહીં. ચાલો તેને એમ જ છોડી દઈએ. આ સાંભળીને પીએમ મોદી સહિત ત્યાં હાજર બધા હસી પડ્યા હતા.
ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો પરાજય થયો
દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું અને 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ભારતે એક ઓવર બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. જેના જવાબમાં ભારતે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. રોહિતે કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી. તેણે 76 રન બનાવીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું.
આ પણ વાંચો: રશિયા યૂક્રેન યુદ્ધમાં PM મોદીના એક ફોનના કારણે પરમાણું બોમ્બનો ઉપીયગ અટક્યો
આ ભારતની સાતમી ICC ટ્રોફી છે. આ પહેલા, ટીમે 1983 અને 2011 ODI વર્લ્ડ કપ, 2007 અને 2024 T20 વર્લ્ડ કપ અને 2002, 2013 અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારત અપરાજિત રહ્યું. તેણે સતત પાંચ મેચ જીતી. આ પહેલા, ન્યુઝીલેન્ડની ટીમ ભારતની મુલાકાતે આવી હતી જ્યાં ટીમે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમને 0-3થી હરાવ્યું હતું.