અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોની સંખ્યામાં 400 ટકાનો વધારો

યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ 2024 ના વાર્ષિક અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં યુએસમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોની સંખ્યામાં 400 ટકાનો વધારો થયો છે.

Written by Rakesh Parmar
February 05, 2025 15:57 IST
અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોની સંખ્યામાં 400 ટકાનો વધારો
વર્ષ 2024માં દર છ કલાકે એક ભારતીયને દેશનિકાલ કરવામાં આવતો હતો. (તસવીર: X)

Indians Deported from US: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે પોતાના દેશમાં ગેરકાયદેસર રહેતા લોકનો દેશનિકાલ કરી રહ્યા છે ત્યારે આજે ડોન્કી રૂટ દ્વારા અમેરિકા ગયેલા 104 ભારતીયો વતન પાછા ફર્યા છે, અમૃતસરમાં યુએસ લશ્કરી વિમાન ઉતર્યું હતું જેમાં 13 બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત પહોંચ્યો છે.

દેશનિકાલ કરાયેલા 104 ભારતીય નાગરિકોમાં હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના છે. દેશનિકાલ કરાયેલા લોકોમાં, 33 ગુજરાતના, 30 પંજાબના છે જ્યારે બે-બે ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના છે અને ત્રણ મહારાષ્ટ્રના છે.

વિદેશ મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગયા મહિને કહ્યું હતું કે અમે ગેરકાયદેસર સ્થળાંતરની વિરુદ્ધ છીએ, કારણ કે તે સંગઠિત ગુનાના ઘણા સ્વરૂપો સાથે જોડાયેલું છે. તેમણે કહ્યું કે જો કોઈ ભારતીય યોગ્ય દસ્તાવેજો વિના વિશ્વમાં ક્યાંય પણ રહે છે, તો અમે તેને પાછો લઈશું. જો અમને તેના દસ્તાવેજો આપવામાં આવે તો અમે તેની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરી શકીએ અને ખાતરી કરી શકીએ કે તે ખરેખર ભારતીય છે. જો આવું થશે તો અમે આગળની કાર્યવાહી કરીશું અને તેને ભારત પાછા ફરવામાં મદદ કરીશું.

આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતી, સૌથી વધુ મહેસાણાના વતની

400 ટકાનો વધારો

યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ 2024 ના વાર્ષિક અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં યુએસમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોની સંખ્યામાં 400 ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટ ગયા વર્ષે ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2024 માં કુલ 1,529 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જ્યારે 2021 માં આ સંખ્યા માત્ર 292 હતી. 2024 માં, યુએસ સરકારે ઇમિગ્રેશન નિયમોનો કડક અમલ કર્યો, જે હેઠળ દર છ કલાકે એક ભારતીયને દેશનિકાલ કરવામાં આવતો હતો.

18 હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ થઈ

બ્લૂમબર્ગે ગયા મહિને સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બંને દેશોએ લગભગ 18,000 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે જેમને દેશનિકાલ કરવાના છે. જોકે, વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે કારણ કે ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી. યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024 માં યુએસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓમાં ભારતીય નાગરિકોનો હિસ્સો લગભગ ત્રણ ટકા હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ