Pakistani Currency Note: ભારતમાં પાકિસ્તાની ચલણી નોટો કેવી રીતે મેળી શકે? મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આ ચોંકાવનારી ઘટના બની છે. પુણેમાં એક હાઉસિંગ સોસાયટીની લિફ્ટ પાસે એક પાકિસ્તાની નોટ મળી આવી છે. આ પાકિસ્તાની નોટ 20 રૂપિયાની છે. પોલીસ આ મામલાની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે.
હાઉસિંગ સોસાયટીના લોકોએ આ બાબતની પોલીસને જાણ કરી અને આ નોટને પોલીસ અધિકારીઓને સોંપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ પાકિસ્તાની નોટ ભુકુમ ગામમાં માનસ લેક હાઉસિંગ સોસાયટીની સર્વિસ લિફ્ટ પાસે મળી આવી હતી. ભુકુમ ગામ ખડકવાસલા ખાતે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી (NDA) થી 18 કિમી દૂર છે. પોલીસે જણાવ્યું છે કે આ નોટ હાઉસિંગ સોસાયટીના ચેરમેન સહદેવ યાદવને મળી આવી હતી.
લોકોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો
પિંપરી ચિંચવડ પોલીસ સ્ટેશન હેઠળના બાવધન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનિલ વિભૂતે એ જણાવ્યું હતું કે, ‘નોટ મળ્યા બાદ સોસાયટીના લોકોએ બાવધન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.’ તેમણે આ મામલાની તપાસ કરવા માટે અમને એક નોટ સાથે અરજી પણ આપી છે. અમે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: હિંગળાજ માતાનું એ મંદિર, જ્યાં પાકિસ્તાની લોકો પણ રાખે છે માનતા
વિભૂતેએ જણાવ્યું કે આ હાઉસિંગ સોસાયટીમાં 84 ફ્લેટ છે. લિફ્ટની બાજુમાં એક સીસીટીવી કેમેરા લગાવેલો છે પણ ગયા વર્ષે 24 નવેમ્બરથી તે કામ કરી રહ્યો નથી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરાની તપાસ કરશે અને સોસાયટીમાં રહેતા લોકોના નિવેદનો પણ નોંધશે.
ભારતમાં પાકિસ્તાની નોટ મળવાની ઘટના આશ્ચર્યજનક છે કારણ કે અહીં પાકિસ્તાની નોટો સાથે કોઈ વેપાર થઈ શકતો નથી, પરંતુ પછી પુણેમાં આ નોટ કેવી રીતે મળી તે એક મોટો પ્રશ્ન છે.





