US Strike Iran Nuclear Sites: મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ માહિતી આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ઈરાનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીત દરમિયાન તેમણે વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી અને પરિસ્થિતિ બગડવા અંગે ચિંતા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે આ સમય દરમિયાન તેમણે તણાવ ઘટાડવા, વાતચીત અને રાજદ્વારી દ્વારા મુદ્દાને ઉકેલવા અને પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો.
જણાવી દઈએ કે અમેરિકાએ ઈરાનના ફોર્ડો, ઇસ્ફહાન અને નતાન્ઝ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠને તેના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલાઓની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આનાથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થયું છે. અમેરિકાના હુમલા પછી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ઈરાને તેલ અવીવ પર મિસાઇલો છોડી છે, જ્યારે તેલ અવીવે પણ તેનો જવાબ આપ્યો છે.
અગાઉ ઈરાનના વિદેશ પ્રધાન સઈદ અબ્બાસ અરાઘચીએ રવિવારે ઈરાનના પરમાણુ સ્થાપનો પર હવાઈ હુમલા કરવા બદલ અમેરિકાની નિંદા કરી હતી. અરાઘચીએ તેને આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને પરમાણુ અપ્રસાર સંધિ (NPT)નું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું.
આ પણ વાંચો: ભારતમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2026 માટે આ ટીમોએ કર્યુ ક્વોલિફાય, જીત સાથે કરી એન્ટ્રી
પાકિસ્તાને પણ એક નિવેદન બહાર પાડ્યું
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના જોખમ અંગે ખૂબ ચિંતિત છે. મંત્રાલયે કહ્યું, “ઈરાન સામે ચાલી રહેલ આક્રમણ અત્યંત ચિંતાજનક છે. જો તણાવ વધશે તો તેના પ્રદેશ અને તેનાથી આગળના ક્ષેત્ર માટે ગંભીર પરિણામો આવશે.” અમેરિકાએ ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ઝંપલાવ્યા પછી, 13 જૂનથી શરૂ થયેલા યુદ્ધનો ભય વધુ તીવ્ર બન્યો છે.