અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન જેડી વેન્સના પત્ની ઉષા વેન્સ અને તેમના બાળકો પણ હાજર હતા. આ પ્રસંગે પીએમ મોદીએ સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ખુદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું સ્વાગત કર્યું. પીએમ મોદીની જેડી વેન્સ સાથેની મુલાકાત દરમિયાનની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં પીએમ મોદી જેડી વેન્સના બાળકો સાથે વાત કરતા પણ જોવા મળી રહ્યા છે.
બંને નેતાઓ વચ્ચે શું થયું?
એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારમાં પ્રગતિનું સ્વાગત કર્યું અને પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
બંને નેતાઓ વચ્ચેની વાતચીત પછી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી અને વેન્સે ઊર્જા, સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજીમાં સહયોગ વધારવા માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેન્સે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી અને તેનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું.
પીએમ મોદીએ રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેડી વેન્સના માનમાં રાત્રિભોજનનું પણ આયોજન કર્યું છે. પીએમ મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં ટેરિફ, વેપાર, સંરક્ષણ સહિતના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની ભારત મુલાકાત ચાર દિવસની રહેશે.
આ પણ વાંચો: જે ડી વેન્સે પરિવાર સાથે કર્યા અક્ષરધામ મંદિરના દર્શન, જાણો ગેસ્ટ બુકમાં શું લખ્યું
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન પણ સામેલ હશે.
યુએસ ઉપરાષ્ટ્રપતિ 21 એપ્રિલ સોમવારના રોજ સવારે 9.30 વાગ્યે પાલમ એરબેઝ પહોંચ્યા. તેમનું સ્વાગત કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું. તમને જણાવી દઈએ કે દિલ્હી ઉપરાંત, યુએસ ઉપરાષ્ટ્રપતિ આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની સાથે પાંચ વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ પણ ભારત આવ્યા છે. આમાં પેન્ટાગોન અને વિદેશ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે.