જમ્મુ અને કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી (SIA) એ શનિવારે દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં “વ્હાઇટ-કોલર” આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. 10 નવેમ્બરના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ડૉ. ઉમર નબીએ આ વિસ્ફોટ કર્યો હતો.
જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ શ્રીનગરના બટમાલૂ વિસ્તારના રહેવાસી તુફૈલ નિયાઝ ભટ તરીકે થઈ છે.
ઓક્ટોબરમાં નૌગામના બાનપોરામાં દિવાલો પર પોલીસ અને સુરક્ષા દળોને ધમકી આપતા પોસ્ટરો ચોંટાડવાની તપાસ દરમિયાન આ “વ્હાઇટ-કોલર” આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. શ્રીનગર પોલીસ ધમકીભર્યા પોસ્ટરો ચોંટાડવાના કેસની તપાસ કરી રહી હતી.
શ્રીનગરના એસએસપી ડૉ. જી.વી. સંદીપ ચક્રવર્તીએ તપાસ ટીમનું નેતૃત્વ કર્યું હતું, અને CCTV ફૂટેજના આધારે પ્રથમ ત્રણ શંકાસ્પદો (આરિફ નિસાર ડાર ઉર્ફે સાહિલ, યાસિર-ઉલ-અશરફ અને મક્સૂદ અહેમદ ડાર ઉર્ફે શાહિદ) ની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘તમારી પાસે મત છે, મારી પાસે પૈસા છે જો…’ મહારાષ્ટ્રના ડિપ્ટી CM અજિત પવારે મતદારોને આપી ‘ધમકી’
આ ત્રણેયની પૂછપરછ કર્યા પછી મૌલવી ઇરફાન અહેમદની ધરપકડ કરવામાં આવી. તેણે પોસ્ટરો પૂરા પાડ્યા હતા અને ડોકટરોને કટ્ટરપંથી બનાવ્યા હતા. ત્યારબાદ તપાસ અધિકારીઓ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી ગયા. ડો. મુઝફ્ફર ગનાઈ અને ડો. શાહીન સઈદની ધરપકડ કરવામાં આવી, અને 2,900 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યો છે.
NIA એ પણ ધરપકડ કરી
20 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મોટી કાર્યવાહી કરી અને દિલ્હી બોમ્બ વિસ્ફોટોના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરી છે. તેમાં મુઝમ્મિલ ગનાઈ, અદીલ રાથેર, શાહીન સઈદ અને મૌલવી ઇરફાન અહેમદ વાગેનો સમાવેશ થાય છે. તે બધા ઉમર નબીના નજીકના સાથી છે.





