Bhagwant Mann Hospitalised: પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનની તબિયત આજે અચાનક બગડી ગઈ, જેના કારણે તેમને ડોક્ટરોની સલાહ પર એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર દરેક ક્ષણે નજર રાખી રહી છે. તેઓ બે દિવસથી બીમાર હતા અને કોઈ સુધારો ના થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ડોક્ટરોની સલાહ પર ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભગવંત માન ઘરે દવાઓ લઈને આરામ કરી રહ્યા હતા, પરંતુ તેમનું બ્લડ પ્રેશર વધતું-ઘટતું રહ્યું અને દવાઓથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ ખાસ સુધારો થયો ના હતો, ત્યારબાદ તેમને ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
તબિયત ખરાબ થવાને કારણે મંત્રીમંડળની બેઠક રદ
તમને જણાવી દઈએ કે પંજાબના ગ્રામીણ વિસ્તારો પૂરને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ કારણે રાહત અને બચાવ અંગે આજે કેબિનેટની બેઠક યોજાવાની હતી. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી બીમાર પડવાના કારણે પંજાબ કેબિનેટની બેઠક મુલતવી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: બોલિવૂડના આ ફિલ્મ નિર્માતાએ અમિતાભ બચ્ચન, શ્રીદેવી અને દાઉદ ઇબ્રાહિમને ગણાવ્યા પ્રેરણાસ્ત્રોત
ભગવંત માનને શું સમસ્યા છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભગવંત માનને વાયરલ તાવ અને પાચન સંબંધી કેટલીક સમસ્યાઓ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને ગયા હતા. તેઓ ગુરુવારે તેમના ઘરે હતા પરંતુ જ્યારે તેમની તબિયતમાં સુધારો ન થયો ત્યારે તેમને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
કેજરીવાલ સાથે પ્રવાસ કરવા જઈ રહ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબમાં પૂરની દુર્ઘટના વચ્ચે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે સાંજે પંજાબ પહોંચ્યા હતા. તેઓ મુખ્યમંત્રી ભગવંત માન સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના હતા, પરંતુ જ્યારે મુખ્યમંત્રી માનની તબિયત બગડી ત્યારે કેજરીવાલ એકલા કપૂરથાના સુલતાનપુર લોધીમાં પૂરગ્રસ્ત લોકોને મળવા ગયા હતા.