ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન અહીં લાખો ભક્તોની ભીડ એકઠી થઈ હતી. ત્યાં જ રથયાત્રા દરમિયાન ભારે ભીડ વચ્ચે એક એમ્બ્યુલન્સ પહોંચી ગઈ. જોકે લગભગ 1500 સ્વયંસેવકોએ જનસેવા પ્રત્યેની તેમની સમર્પણતા દર્શાવી અને એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવ્યો હતો. આ માટે સ્વયં સેવકોએ રસ્તાની વચ્ચે માનવ સાંકળ બનાવી હતી, જેમાંથી એમ્બ્યુલન્સ પસાર થઈ. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એમ્બ્યુલન્સ ભીડમાંથી પસાર થતી જોઈ શકાય છે.
રથયાત્રામાં દસ લાખની વધુ શ્રદ્ધાળુંઓ સામેલ
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વખતે રથયાત્રામાં ભાગ લેવા માટે લગભગ દસ લાખ શ્રદ્ધાળુઓ એકઠા થયા છે. રથયાત્રા માટે શહેરમાં લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઓડિશાના ડીજીપી વાયબી ખુરાનિયાએ જણાવ્યું હતું કે, “અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે તમામ શક્ય વ્યવસ્થા કરી છે.” તેમણે કહ્યું કે AI થી સજ્જ 275 થી વધુ સીસીટીવી કેમેરા ભીડ પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું, જુઓ આકાશી નજારાની અદ્ભુત તસવીરો
આ ઉપરાંત, અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) સંજય કુમારે જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી મળેલી કેટલીક માહિતીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે ઓડિશા પોલીસ ઉપરાંત, ત્રણ RAF ટીમો સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની આઠ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.