અનિલ અંબાણીની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીના રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં પહેલી ધરપકડ કરી છે. શુક્રવારે ED એ બિસ્વાલ ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ (BTPL) ના MD પાર્થ સારથી બિસ્વાલની અટકાયત કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘તપાસમાં ખુલાસો થયો છે કે BTPL એ 68.2 કરોડ રૂપિયાની નકલી બેંક ગેરંટી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ખોટા સમર્થન અને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) ના ટેન્ડર માટે ખોટા પુષ્ટિકરણ રજૂ કર્યા હતા. આ બેંક ગેરંટીના બદલામાં BTPL ને રિલાયન્સ પાવર લિમિટેડ પાસેથી 5.40 કરોડ રૂપિયા મળ્યા હતા.’
પાર્થ સારથી બિસ્વાલ કોણ છે?
પાર્થ સારથી બિસ્વાલ ઓડિશાના ભુવનેશ્વર સ્થિત બિસ્વાલ ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ (BTPL) ના મેનેજિંગ ડિરેક્ટર (MD) છે. આ કંપની 2019 માં શરૂ થઈ હતી.
ED એ અનિલ અંબાણીને 5 ઓગસ્ટે સમન્સ પાઠવ્યું
મુંબઈમાં અનિલ અંબાણી સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યાના સાત દિવસ પછી ED એ ઉદ્યોગપતિને 5 ઓગસ્ટે રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ કંપનીઓ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના બેંક લોન છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસમાં જોડાવા માટે સમન્સ પાઠવ્યું છે. ED એ તેમને વિદેશ પ્રવાસ કરતા અટકાવવા માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) પણ જારી કર્યો છે.
આ પણ વાંચો: રેલ્વેમાં ભરતી: 3 હજારથી વધુ જગ્યાઓ માટે વેકેન્સી, જાણો કોણ કરી શકે છે અરજી
બિસ્વાલની 1 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી
BTPL તાજેતરમાં ED દ્વારા દરોડા પાડવામાં આવેલી કંપનીઓમાંની એક હતી. બિસ્વાલની 1 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે તેમને 6 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે પૂછપરછ દરમિયાન અનિલ અંબાણીનો સામનો કરવાની અને કેટલાક તથ્યોની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.”
ED એ BTPL વિરુદ્ધ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા SECI ને સુપરત કરાયેલ નકલી બેંક ગેરંટી પૂરી પાડવા બદલ કંપની તેના ડિરેક્ટરો અને અન્ય લોકો સામે દાખલ કરેલી FIRના આધારે તપાસ શરૂ કરી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન ED એ ઘણા પુરાવા એકત્રિત કર્યા છે અને તેમણે કેટલીક બેંકોના નામે નકલી દસ્તાવેજો અને SBI ના નામે નકલી ઇમેઇલ ID નો ઉપયોગ કરવાની પુષ્ટિ કરી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે 2019 માં રચાયેલી નાની કંપની BTPL એ ઘણા અઘોષિત બેંક ખાતાઓ જાળવી રાખ્યા હતા અને તેના જાહેર કરેલા ટર્નઓવર કરતા વધુ વ્યવહારો કર્યા હતા. કંપની કાયદાના અનેક ઉલ્લંઘનો મળી આવ્યા છે અને રજિસ્ટર્ડ સરનામાંઓ પર કોઈ કાનૂની રેકોર્ડ, જેમ કે ખાતાવહી, શેરધારકોનું રજિસ્ટર, વગેરે મળી આવ્યા નથી.’
આ પણ વાંચો: Realme, Oppo, OnePlus યુઝર જરૂરથી કરી લે આ સેટિંગ્સ, ફોન ચોરી થવાનું ટેંશન થઈ જશે દૂર
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નકલી ડિરેક્ટરોનો ઉપયોગ ફક્ત દસ્તાવેજો પર સહી કરવા માટે કરવામાં આવતો હતો અને કંપનીના ઓછામાં ઓછા 7 અઘોષિત બેંક ખાતા પણ મળી આવ્યા હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આ ખાતાઓમાં કરોડો રૂપિયાની ગુનાની રકમ મળી આવી છે.’
આ કેસ બેંક ગેરંટી સાથે સંબંધિત છે
રિલાયન્સ પાવરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ED નો કેસ બેંક ગેરંટી સાથે સંબંધિત છે. પ્રવક્તાએ કહ્યું, “કંપની અને તેની પેટાકંપનીઓએ પ્રામાણિકપણે કામ કર્યું હતું અને છેતરપિંડી, બનાવટી અને કાવતરાનો ભોગ બન્યા છે.” કંપનીએ આ સંદર્ભમાં 7 નવેમ્બર, 2024 ના રોજ સ્ટોક એક્સચેન્જને યોગ્ય માહિતી આપી છે. આ સંદર્ભમાં 16 ઓક્ટોબર, 2024 ના રોજ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખામાં તૃતીય પક્ષ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.