કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. જેના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ સર્જાયો છે.
ભારતના કડક વલણને કારણે પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે. રશિયન દૂતાવાસે એક એડવાઈઝરીમાં કહ્યું કે, “રશિયન નાગરિકોએ પાકિસ્તાન આવવાનું ટાળવું જોઈએ.”
પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, “ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ખૂબ તણાવ છે. કેટલાક અધિકારીઓના ઉશ્કેરણીજનક નિવેદનોને પગલે અમે ભલામણ કરીએ છીએ કે જ્યાં સુધી પરિસ્થિતિ સ્થિર ન થાય ત્યાં સુધી રશિયન નાગરિકો અસ્થાયી ધોરણે પાકિસ્તાનની મુલાકાત લેવાનું ટાળે.”
આ પહેલા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ અમેરિકાએ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં અમેરિકી નાગરિકોને ભારત-પાકિસ્તાન સીમાથી 10 કિમીની અંદર યાત્રા ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. બુધવારે અમેરિકી નાગરિકો માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં સિંધુ નદીનું એક ટીપું પાણી પણ નહીં પહોંચે, સીઆર પાટીલનું મોટું નિવેદન
આ દરમિયાન પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર અનેક કડક પ્રતિબંધ લગાવ્યા છે. આમાં 1960 ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય પણ સામેલ છે. ગુરુવારે એક સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. બુધવારે પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી હતી અને આ સમજૂતીને સ્થગિત કરવા સહિત અન્ય ઘણા નિર્ણયોની જાહેરાત કરી હતી.
પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન જવા દેવામાં આવશે નહીં
પહેલગામમાં થયેલા આતંકી હુમલો અને નિર્દોષ લોકોની નિર્મમ હત્યાની પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. ભારત સરકારે સિંધુ નદી જળ સંધિ સ્થગિત કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટિલ સાથે આ મુદ્દે બેઠક કરી હતી. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ ન વહેવું જોઇએ તેવી વિગતે ચર્ચા થઇ હતી.





