અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપન સમારોહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા જડબેસલાખ કરી દેવામાં આવી છે. મંગળવારે અયોધ્યામાં મોટી સંખ્યામાં VIP હાજર રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશોને પગલે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે સંખ્યામાં પોલીસ દળ અને વિવિધ વિશેષ એકમો તૈનાત કરવામાં આવ્યા છે.
સ્થળ પર હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ
વરિષ્ઠ અધિકારીઓથી લઈને ફિલ્ડ ટીમો સુધી સંકલિત વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. એક સત્તાવાર નિવેદન અનુસાર સુરક્ષા યોજનાના વ્યૂહાત્મક નેતૃત્વ માટે વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક, વધારાના પોલીસ અધિક્ષક, ફિલ્ડ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નિરીક્ષકોનો સમાવેશ થાય છે.
1060 નિરીક્ષકો (પુરૂષ) અને 80 મહિલા સબ-ઇન્સ્પેક્ટર તૈનાત
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સુરક્ષા વ્યવસ્થા માટે, 30 સુપરિન્ટેન્ડેન્ટ-સ્તરના અધિકારીઓ, 90 ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ-સ્તરના અધિકારીઓ, 242 સબ-ઇન્સ્પેક્ટર, 1060 પુરુષ નિરીક્ષકો, 80 મહિલા સબ-ઇન્સ્પેક્ટર, 3090 પુરુષ હેડ કોન્સ્ટેબલ અને 448 મહિલા હેડ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવી રહ્યા છે. વધુમાં, 800 થી વધુ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ પણ ફરજ પર રહેશે.”
આ પણ વાંચો: શું ધર્મેન્દ્રની સંપત્તિમાં હેમા માલિની અને તેમની પુત્રીઓને હિસ્સો મળશે? જાણો શું કહે છે કાયદો
સુરક્ષા કર્મચારીઓ ભીડને નિયંત્રણ કરવા, સર્ચ, તપાસ અને કટોકટી પ્રતિભાવ જેવી ફરજો બજાવશે. બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, વીવીઆઈપી સુરક્ષા નિરીક્ષણ ટીમ, ટ્રાફિક મેનેજમેન્ટ યુનિટ્સ, ફાયર ફાઇટીંગ યુનિટ્સ અને રિસ્પોન્સ ફોર્સ સહિત વિશેષ સુરક્ષા એકમોને સંવેદનશીલ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે.
એક્સ-રે મશીનો, સીસીટીવી કેમેરા અને ખાસ સુરક્ષા વાનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નિવેદન અનુસાર, BDS યુનિટ, એક્સ-રે મશીન, CCTV કેમેરા, ખાસ સુરક્ષા વાન, પેટ્રોલ યુનિટ અને એમ્બ્યુલન્સ યુનિટ પણ તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ ઉપરાંત, ATS કમાન્ડોની એક ખાસ ટીમ, NSG સ્નાઈપર યુનિટ અને એન્ટી-ડ્રોન યુનિટ પણ સુરક્ષા મજબૂત બનાવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.





