કેરળથી હૃદયદ્રાવક સમાચાર આવી રહ્યા છે, અહીં એક વ્યક્તિએ પહેલા બિલાડીને પ્રેમથી ખાવાનું ખવડાવ્યું અને પછી નિર્દયતાથી આ અબોલા પ્રાણીની હત્યા કરી નાખી. એટલું જ નહીં તે વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર બિલાડીને મારવાનો વીડિયો પણ શેર કર્યો હતો. હાલમાં પોલીસે બિલાડીને મારી નાખવા અને તેનો વીડિયો ‘ઇન્સ્ટાગ્રામ’ પર શેર કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેને કસ્ટડીમાં લીધો છે.
વીડિયો વાયરલ થતાં અધિકારીઓએ કાર્યવાહી કરી
પોલીસે જણાવ્યું હતું કે બિલાડીને મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે એક પ્રાણી અધિકાર કાર્યકર્તાની ફરિયાદ પર ચેરપુલાસેરીના રહેવાસી શજીર (32) સામે આ કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી દ્વારા તાજેતરમાં ‘ઇન્સ્ટાગ્રામ’ પર શેર કરાયેલા વીડિયોમાં તે પહેલા બિલાડીને ખવડાવતો, પછી તેને મારી નાખતો અને પછી તેના શરીરના ભાગો બતાવતો જોઈ શકાય છે. માહિતી અનુસાર વ્યક્તિએ આ કામ એટલા માટે કર્યું જેથી તે પ્રખ્યાત થઈ શકે, તે વાયરલ થવા માંગતો હતો.
આ પણ વાંચો: ‘ભારત પણ અમેરિકા પર 50% ટેરિફ લગાવી દે’, શશિ થરૂરે કહ્યું- સરકાર જવાબ આપે, કોઈ દેશ આપણને કેમ ધમકાવે
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “તેણે (આરોપી) કથિત રીતે કોઈમ્બતુરમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હજુ સુધી તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી નથી.”
પોલીસે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 325 (પ્રાણીને મારવા, ઝેર આપવું, અપંગ બનાવવું) અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 11 (1) (પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા સમાન કૃત્યો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.





