બેન્કોએ મનસ્વી રીતે લોનની ફાળવણી કરતા વિલફુલ લોન ડિફોલ્ટરોની સંખ્યામાં ચિંતાજનક વધારો છે. ટોચના 50 વિલફુલ ડિફોલ્ટરોએ બેન્કોને 92,570 કરોડ રૂપિયાનો ચૂનો લગાડવ્યો છે અને આ યાદીમાં ગીતાંજલી જેમ્સના માલિક મેહુલ ચોક્સી પ્રથમ ક્રમે છે, જે પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાનું લોન કૌભાંડ કરીને વિદેશ ફાગી ગયા છે.
છ વર્ષમાં બેન્કોએ 11.17 લાખ કરોડની માંડવાળી કરી
દેશની વિવિધ બેન્કોએ નાણાકીય વર્ષ 2021-22 સુધીના છેલ્લા છ વર્ષમાં કુલ 11.17 લાખ કરોડ રૂપિયાની બેડ લોનને રાઈટ ઓફ એટલે કે માંડવાળી કરી છે. બેન્કો દ્વારા રાઇટ ઓફ કરાયેલી લોન અંગે 20 ડિસેમ્બર, મંગળવારના રોજ રાજ્યકક્ષાના નાણાંમંત્રી ભગવત કરાડે સંસદમાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સંસદમાં છેલ્લા 6 વર્ષના આંકડા રજૂ કરતી વખતે રાજ્યના નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં બેંકોમાં કુલ 11.17 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી છે અને આટલી જંગી રકમની બાકી લોનને બેલેન્સ શીટમાંથી દૂર કરવામાં આવી છે.
રિઝર્વ બેન્કે આપેલા આંકડા અનુસાર જાહેર ક્ષેત્રની બેંકો (PSU Banks)એ છેલ્લા છ નાણાકીય વર્ષ દરમિયાન અનુક્રમે રૂ. 8,16,421 કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી છે.

બેન્કને ચૂનો લગાડનાર વિલફુલ ડિફોલ્ટરોની યાદી
અહીં 31 માર્ચ, 2022ના રોજ સુધીમાં ટોપ-50 વિલફુલ લોન ડિફોલ્ટરોની યાદી રજૂ કરવામાં આવી છે. ટોપ-50 વિલફુલ વિલફુલ ડિફોલ્ટરોની યાદીમાં 7848 કરોડ રૂપિયાની લોન ડિફોલ્ટ સાથે મેહુલ ચોક્સી કંપની ગીતાંજલી જેમ્સ પ્રથમ ક્રમે છે. નોંધનીય છે કે વર્ષ 2017માં પંજાબ નેશનલ બેન્કમાં 14,000 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ મેહુલ ચોક્સી વિદેશમાં એન્ટિગુઆ ભાગી ગયા હતા. તો બીજા સૌથી મોટા વિલફુલ ડિફોલ્ટર એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ છે, જેની ઉપર બેન્કોનું 5,879 કરોડ રૂપિયાનું દેવું છે. તેવી જ રીતે REI એગ્રો લિમિટેડ 4,803 કરોડ રૂપિયાની લોન ચૂક સાથે ત્રીજા સૌથી મોટા વિલફુલ ડિફોલ્ટર છે. આ કંપનીના ડાયરેક્ટર સંદિપ ઝુઝુનવાલા અને સંજય ઝુનઝુનવાલા છેલ્લા કેટલાક સમયથી એન્ફોર્સમેન્ટ અને સીબીઆઇના સ્કેનર હેઠળ છે.
જો અન્ય વિલફુલ લોન ડિફોલ્ટરોની વાત કરીયે તો કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ 4,596 કરોડ રૂપિયા, એબીજી શિપયાર્ડ લિમિટેડ 3,708 કરોડ રૂપિયા અને ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ 3,311 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં જાણી જોઇને આનાકાની કરી રહ્યા છે.
દેશના સૌથી મોટા 50 વિલફુલ ડિફોલ્ટરો

RBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 1000 કરોડ રૂપિયા કે તેનાથી વધારે લોનની વસૂલાત બાકી હોય તેવા 26 મોટા વિલફુલ ડિફોલ્ટર પાસેથી બેન્કોએ 60,425.71 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની બાકી છે. તેવી જ રીતે 500 કરોડથી 1,000 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં આનાકાની કરનાર 40 કંપનીઓએ બેન્કોને 28,297.99 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. તો 100 કરોડ થી 500 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ રહેનાર 246 વિલફુલ ડિફોલ્ટરો ઉપર બેન્કોનું.52,859.80 કરોડ રૂપિયાનું દેવું છે.
આ પણ વાંચોઃ છેલ્લા 5 વર્ષમાં કઇ બેન્કે સૌથી વધારે લોનની માંડવાળી કરી, જોઇ લો યાદી
સૌથી વધુ વિલફુલ ડિફોલ્ટરોમાં 1,914 કંપનીઓ 1 કરોડથી 100 કરોડ રૂપિયાની લોન ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી છે અને તેમની પાસેથી કુલ 43,273.86 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની બાકી છે.