કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે કેરળના કોડેંચેરીમાં એક ડેરી ફાર્મની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ ખેડૂતોને મળ્યા અને તેમની મુશ્કેલીઓ પણ સાંભળી હતી. આ મુલાકાત દરમિયાન એક રસપ્રદ ઘટના બની જ્યારે પ્રિયંકા ગાંધી એક ગાયને મળ્યા હતા, જેનું નામ આલિયા ભટ્ટ હતું.
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું, “કોડેંચેરીમાં એક સુંદર પરિવાર દ્વારા સંચાલિત ડેરી ફાર્મમાં કેટલાક ડેરી ખેડૂતોને મળ્યા (અને આલિયા ભટ્ટ નામની ગાયને પણ મળ્યા!! આલિયા ભટ્ટની માફી માંગુ છું, પરંતુ તે ખરેખર ક્યુટી પાઇ હતી!)” તેમણે પોસ્ટમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને પણ ટેગ કરી છે.
જોકે પ્રિયંકા ગાંધીએ આ હળવાશભર્યા ક્ષણ સાથે ડેરી ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી ગંભીર સમસ્યાઓ વિશે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, “દુર્ભાગ્યવશ, ડેરી ખેડૂતો અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અને ઘણા લોકો ગુજરાન ચલાવવામાં અસમર્થ છે. હું આ મુદ્દાઓ ઉઠાવવા માટે સંબંધિત મંત્રાલયને લખીશ. આમાં પશુચિકિત્સા દવાઓનો વધતો ખર્ચ, પર્યાપ્ત વીમા કવરેજનો અભાવ અને ગુણવત્તાયુક્ત ખોરાક મેળવવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે.”
આ પણ વાંચો: ગાઝાનો કાટમાળ સાફ કરવામાં 10 વર્ષ લાગશે, જમીનને ફળદ્રુપ કરવામાં 25 વર્ષ; યુએનની ચોંકાવનારી રિપોર્ટ
પ્રિયંકા ગાંધી કેરળના વાયનાડથી સંસદ સભ્ય છે. ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “હું તે ખેડૂતોની આભારી છું જેમણે મને તેમના મુદ્દાઓ વિગતવાર સમજાવવા માટે સમય કાઢ્યો. હું તેમને મદદ કરવા માટે મારાથી બનતું બધું કરીશ.” તેમની મુલાકાત દરમિયાન પ્રિયંકાએ સ્થાનિક ખેડૂતો સાથે વાતચીત કરી અને ડેરી ઉદ્યોગને લગતા વ્યવહારુ પડકારો, જેમ કે દૂધના ભાવ, પશુપાલન ખર્ચ અને સરકારી સહાય અંગે ચર્ચા કરી.