પીએમ મોદી હાલમાં 16માં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે મંગળવારે રશિયાના કઝાન શહેર પહોંચ્યા છે. ત્યાં પહોંચ્યાના થોડા કલાકો બાદ તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની સાથે દ્વિપક્ષિય ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દ્વિપક્ષિય બેઠક દરમિયાન રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે, મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે વિશેષ સંબંધ છે અને સતત વિકસિત થઈ રહ્યા છે. બેઠક વચ્ચે રૂસી રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને લાગે છે કે પીએમ મોદી ટ્રાંસલેટર વિના તેમની વાતોને સમજી લેશે કારણ કે બંને દેશો વચ્ચે ખુબ જ સારા સંબંધ છે.
પુતિને બેઠક દરમિયાન કહ્યું,”અમારા સંબંધો એટલા મજબૂત છે કે મને લાગ્યું કે તમે ટ્રેસલેટર વિના મને સમજી શકશો,” આ ટિપ્પણી પર પીએમ મોદી હસી પડ્યા, જેમને પુતિને અનેક પ્રસંગોએ તેમના ‘સારા મિત્ર’ કહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિને જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા ત્રણ મહિનામાં મારી રશિયાની મુલાકાત અમારા ગાઢ સંકલન અને ગાઢ મિત્રતાને દર્શાવે છે. જુલાઈમાં મોસ્કોમાં આયોજિત વાર્ષિક સમિટે તમામ ક્ષેત્રોમાં અમારો સહયોગ મજબૂત કર્યો છે.
વ્લાદિમીર પુતિને આગળ કહ્યું, “મને અમારી જુલાઈની મીટિંગ યાદ છે જ્યારે અમે ઘણા મુદ્દાઓ પર સારી ચર્ચા કરી હતી અને અમે ઘણી વખત ફોન પર વાત પણ કરી હતી. કઝાનની મુલાકાત લેવાનું મારું આમંત્રણ સ્વીકારવા બદલ હું તમારો ખૂબ આભારી છું.”
આ પણ વાંચો: શું સલમાન ખાન કોઈને બચાવી રહ્યો છે? કાળા હરણ શિકાર મામલે ભાઈજાનનો જૂનો વીડિયો વાયરલ
વડાપ્રધાન મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ અને ભારત આ માટે તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે. પીએમ મોદીએ પુતિનને કહ્યું કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંપૂર્ણ સમર્થન કરે છે.
વડાપ્રધાને કહ્યું, “અમે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના મુદ્દા પર સતત સંપર્કમાં છીએ. જેમ કે મેં અગાઉ કહ્યું તેમ, અમે માનીએ છીએ કે સમસ્યાઓનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ.” તેમણે કહ્યું, ”અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. અમારા તમામ પ્રયાસો માનવતાને પ્રાધાન્ય આપે છે. ભારત આવનારા સમયમાં તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની આપણી પાસે તક છે.
બ્રિક્સના સફળ અધ્યક્ષપદ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે ઘણા દેશો આ સમૂહમાં જોડાવા માંગે છે. ત્યાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યા છે. પીએમ મોદી પણ તેમની સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.





