ગોવાના નાઈટક્લબમાં 6 ડિસેમ્બર, 2025 ના રોજ મોડી રાત્રે આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને ક્લબના માલિકોની શોધ શરૂ કરવામાં આવી છે. ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરા થાઈલેન્ડ ભાગી ગયા હોવાના અહેવાલો બહાર આવ્યા છે. આ દરમિયાન પોલીસે ઇન્ટરપોલ પાસેથી મદદ માંગી છે. બંને આરોપીઓ સામે બ્લુ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે.
બ્લુ કોર્નર નોટિસ શું છે?
ઇન્ટરપોલની વેબસાઇટ અનુસાર, “બ્લૂ નોટિસ એ આંતરરાષ્ટ્રીય સહયોગ વિનંતીઓ અથવા ચેતવણીઓ છે જે સભ્ય દેશોની પોલીસને મહત્વપૂર્ણ ગુના સંબંધિત માહિતી શેર કરવાની મંજૂરી આપે છે.” તમને જણાવી દઈએ કે, સાત પ્રકારની નોટિસ હોય છે: રેડ નોટિસ, યલો નોટિસ, બ્લુ નોટિસ, બ્લેક નોટિસ, ગ્રીન નોટિસ, ઓરેન્જ નોટિસ અને પર્પલ નોટિસ. વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા ગુના સંબંધિત પ્રવૃત્તિઓ વિશે વધારાની માહિતી એકત્રિત કરવા માટે બ્લુ નોટિસ જારી કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ
સીબીઆઈની વેબસાઇટ અનુસાર, બ્લુ નોટિસને ‘બી’ સિરીઝ નોટિસ’ કહેવામાં આવે છે. તેમાં જણાવાયું છે કે, “બી’ સિરીઝ નોટિસને ‘પૂછપરછ નોટિસ’ પણ કહેવામાં આવે છે અને તે વ્યક્તિની ઓળખ ચકાસવા, વ્યક્તિના ગુનાહિત રેકોર્ડની વિગતો મેળવવા, ગુમ થયેલ વ્યક્તિ અથવા ઓળખાયેલ અથવા અજાણ્યા આંતરરાષ્ટ્રીય ગુનેગારને શોધવા અથવા સામાન્ય ફોજદારી કાયદાના ઉલ્લંઘન માટે વોન્ટેડ વ્યક્તિના પ્રત્યાર્પણની વિનંતી કરવા માટે જારી કરી શકાય છે.”





