Gurgaon Radhika Yadav Murder: હરિયાણાના ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેના પિતા દ્વારા ગોળી મારીને હત્યા કરવાનો મામલો ખૂબ ચર્ચામાં છે. ગુરુગ્રામ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે. શુક્રવારે ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સંદીપ કુમારે જણાવ્યું હતું કે, ‘ગઈકાલે એક ખાનગી હોસ્પિટલે સેક્ટર-56 પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે ગોળીથી ઘાયલ થયેલી એક છોકરીને હોસ્પિટલમાં લાવવામાં આવી છે. જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે છોકરીનું મૃત્યુ થઈ ગયું હતું.’
સંદીપ કુમારે કહ્યું, ‘જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તેનું નામ રાધિકા છે, તે 25 વર્ષની હતી અને તે ટેનિસ એકેડેમી ચલાવતી હતી. પોલીસે તેના પિતા દીપકની ધરપકડ કરી હતી અને સ્થળ પરથી હત્યાનું હથિયાર, લાઇસન્સ પ્રાપ્ત પિસ્તોલ પણ જપ્ત કરી હતી.’
પિતા ટેનિસ એકેડેમી ચલાવતા હોવાથી ગુસ્સે હતા
ગુરુગ્રામ પોલીસે જણાવ્યું હતું કે જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે સ્વીકાર્યું કે તે તેની પુત્રી ટેનિસ એકેડેમી ચલાવતી હોવાથી તે ગુસ્સે હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પિતા દીપક યાદવે કહ્યું કે તે આર્થિક રીતે સદ્ધર છે, તેથી તેની પુત્રીને એકેડેમી ચલાવવાની કોઈ જરૂર નથી. આ અંગે તેમની વચ્ચે વારંવાર દલીલો થતી હતી.
પોલીસને 1 દિવસના રિમાન્ડ મળ્યા
સેક્ટર 56 પોલીસ સ્ટેશનના SHO ઇન્સ્પેક્ટર વિનોદ કુમારે જણાવ્યું કે આરોપી પિતાના 1 દિવસના રિમાન્ડ પોલીસને આપવામાં આવ્યા છે. SHO એ કહ્યું, ‘પિતા પાસે રેવાડી નજીકના ગામમાં જમીનનો પ્લોટ છે અને ત્યાંથી દારૂગોળો જપ્ત કરવાનો છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ કેસમાં ઓનર કિલિંગ કે પ્રેમ પ્રકરણનો કોઈ એંગલ છે, ત્યારે તેમણે કહ્યું કે એવું કંઈ નથી.
આ પણ વાંચો: ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા, પિતાએ ધડાધડ ત્રણ ગોળીઓ મારી દીધી
રાધિકા યાદવ એક સારી ટેનિસ ખેલાડી હતી. રાધિકાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ જીત્યા હતા, પરંતુ થોડા મહિના પહેલા તેણીને ખભામાં ઈજા થઈ હતી, તેથી તેણીએ ટેનિસ એકેડેમી ખોલી. જ્યાં તે છોકરાઓ અને છોકરીઓને ટેનિસ રમતા શીખવતી હતી.
રાધિકાના પિતા દીપક યાદવ એક બિલ્ડર છે અને તે ફ્લેટ બનાવે છે અને ભાડે આપે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દીપક યાદવે કહ્યું કે લોકો તેમને ટોણા મારતા હતા કે તે તેમની પુત્રીની કમાણી ખાઈ રહ્યો છે અને તેમણે તેમની પુત્રીને એકેડેમી બંધ કરવા કહ્યું હતું પરંતુ તે સંમત ન થઈ અને આ અંગે તેમના ઘરમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.