મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘તિરંગા યાત્રા’ને ફ્લૅગ ઑફ કરાવી, મોટી સંખ્યામાં લોકો જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાનાં આ પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી- ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ફ્લૅગ ઑફ કરાવી હતી.
Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાનાં આ પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી- ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ફ્લૅગ ઑફ કરાવી હતી. મુખ્યમંત્રી ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે. (તસવીર: સોશિયલ મીડિયા)
તેમણે વધુમાં ઉમેર્યું કે, પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહલગામ આંતકવાદી હુમલાનો બદલો લીધો છે. એટલું જ નહીં આખું વિશ્વ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થયું છે. (તસવીર: સોશિયલ મીડિયા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ ઘટનાઓથી રાષ્ટ્રહિત સર્વોપરિનો ભાવ જાગી ઉઠ્યો છે. એટલું જ નહીં આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે, તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે. આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ મહત્વનો અવસર છે તેમ તેમણે જણાવ્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ તિરંગા યાત્રા એ દેશની એકતા, અખંડિતતા જાળવવાની સાથે આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે દુનિયાને બતાવી દીધું છે કે ઝીરો ટોલરન્સ અગેઈન્સ્ટ ટેરરિઝમની નીતિને તે કોઈપણ ભોગે વળગી રહેવા પ્રતિબદ્ધ છે. આપણો તિરંગો સતત ઊંચેને ઊંચે લહેરાતો રહે તે માટે સેનાના જવાનો માતૃભૂમિ માટે ખડેપગે તૈનાત છે, ત્યારે આ તિરંગા યાત્રામાં જોડાઈને તેમનું મનોબળ વધારવાના આ સફળ આયામને તેમણે બિરદાવ્યો હતો. (તસવીર: સોશિયલ મીડિયા)
યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામ પ્રતિમાથી વ્યાસ વાડીથી થઈ હતી અને નેશનલ હેન્ડલુમ હાઉસથી રાણીપ મેટ્રો સ્ટેશન થી આર.ટી.ઓ. સર્કલથી જમણી બાજુ થઈ સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે સમાપન થયું હતું. આ તિરંગા યાત્રામાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદશ્રી, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખો, સંતો-મહંતો, અમદાવાદના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)