Orchha: ઓરછા અયોધ્યા થી વધુ સુંદર, રામ રાજા ને અપાય છે ગાર્ડ ઓફ ઓનર, જાણો ઇતિહાસ અને જોવાલાયક સ્થળ
Famous Places In Orchha Ram Raja Mandir History: અયોધ્યા બાદ ઓરછાનું રામ રાજા મંદિર પ્રસિદ્ધ છે, જ્યાં ભગવાન રામને 1 દિવસમાં 4 વખત બંદૂકની સલામી આપવામાં આવે છે. મધ્યપ્રદેશનું ઓરછા ભવ્ય ઇતિહાસ અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. ચાલો જાણીયે ઓરછાનો ઇતિહાસ, રામ રાજા મંદિરની કહાણી અને જોવાલાયક સ્થળો વિશે વિગતવાર
Famous Places To Visit In Orchha Ram Raja Mandir History: ઓરછા ઓરછા મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં આવેલું સુંદર ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ છે. ઝાંસી થી માત્ર 15 કિમી દૂર આવેલા ઓરછાના રામ રાજા મંદિરનું મહાત્મય અયોધ્યા જેટલું છે. અહીં ભગવાન રામ રાજા તરીકે પૂજાય છે અને 1 દિવસમાં 4 વખત ગાર્ડ ઓફ ઓનર એટલે કે બંદુક વડે સલામી પણ આપવામાં આવે છે. બેતવા નદીના કિનારે આવેલું ઓરછા અદભુત મહેલ, મંદિર અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. ચાલો જાણીયે ઓરછાના ભવ્ય ઇતિહાસ, રામ રાજાની કહાણી અને જોવાલાયક સ્થળો વિશે વિગતવાર (Photo: Madhya Pradesh Tourism)
ઓરછા સ્થાપના અને ઇતિહાસ ઓરછા ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના નિવાડી જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક નગર છે . ઓરછાની સ્થાપના વર્ષ 1501માં રૂદ્ર પ્રતાપ સિંહ જુદેવ બુંદેલા દ્વારા કરવામાં આવી હતી. ઓરછા બુંદેલખંડમાં બેતવા નદીના કિનારે આવેલું છે. ઓરછા ટીકમગઢથી 80 કિમી અને ઝાંસીથી 15 કિમી દૂર છે. સમયાંતરે ઓરછા પર બુંદેલા રાજપૂત અને મરાઠા શાસકોનું રાજ રહ્યું છે. (Photo: Madhya Pradesh Tourism)
ઓરછા રામ રાજા સરકાર મંદિરની કહાણી ઓરછામાં રામ રાજા સરકાર મંદિર છે, જે ભગવાન રામને સમર્પિત છે. અહીં દુનિયાનું એક માત્ર મંદિર છે જ્યાં ભગવાન રામ રાજા તરીકે પૂજવામાં આવે છે. હકીકતમાં આ ઇમારત રાજાનો મહેલ છે. કહાણી મુજબ રામ રાજા સરકારની મૂર્તિ મધુકર શાહ બુંદેલા (1554-92)ના શાસન દરમિયાન તેમના મહારાણી ગણેશ કુવર રાજે દ્વારા અયોધ્યાથી લાવવામાં આવી હતી. રાણી ગણેશ કુંવર રાજે હાલના ગ્વાલિયર જિલ્લાના કરહિયા ગામના પરમાર રાજપૂત હતા. ચતુર્ભુજ મંદિરનું નિર્માણ થયું તે પહેલાં મહારાણી પુખ્ય નક્ષત્રમાં અયોધ્યાથી પગપાળા ભગવાન રામ (રામ લાલા) ને ઓરછા લઈ આવ્યા હતા. પરંતુ રાત પડી જતા ભગવાન રામને મહેલના ભોજન કક્ષમાં થોડાક સમય માટે સ્થાપિત કરવામાં આવ્યા હતા. પરંતુ મંદિર બન્યા પછી મૂર્તિ તેના સ્થાન પરથી ખસેડી શકાઇ નહીં. છેવટે આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માની તે મહેલ મંદિરમાં ફેરવી દેવામાં આવ્યું અને તેનું નામ રામ રાજા મંદિર રાખવામાં આવ્યું. ઓરછાના રામ રાજા સરકારને ગાર્ડ બંદૂક વડે સલામી આપે છે. (Photo: Madhya Pradesh Tourism)
ઓરછાના પ્રસિદ્ધ મંદિર ઓરછામાં ઘણા પ્રસિદ્ધ પ્રાચીન મંદિરો છે. બેતવા નદી કિનારે આવેલું હોવાથી ઓરછા ધાર્મિંક મહત્વ વધી જાય છે. રામ રાજા સરકાર મંદિર ઉપરાંત ઓરછામાં લક્ષ્મી મંદિર, પંચમુખી મહાદેવ, રાધિકા બિહારી મંદિર, હનુમાન સહિત ઘણા પ્રાચીન મંદિર દર્શનીય સ્થળ છે. (Photo: Madhya Pradesh Tourism)
જહાંગીર મહેલ, ઓરછા ઓરછાનું જહાંગીર મહેલ બુંદેલા રાજપૂતો અને મુઘલ શાસક જહાંગીર વચ્ચેની મિત્રતાનું પ્રતીક છે. આ મહેલના પ્રવેશદ્વાર પર બે હાથીઓ છે. આ ત્રણ માળનો મહેલ જહાંગીરના સ્વાગત માટે રાજા બીરસિંહ જુદેવ બુંદેલાએ બનાવ્યો હતો. બુંદલા સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. (Photo: Madhya Pradesh Tourism)
રાજ મહેલ, ઓરછા રાજ મહેલ ઓરછાના સૌથી જુના ઐતિહાસિક સ્મારકો પૈકી એક છે. રાજ મહેલનું 17મી સદીમાં મધુકર શાહ બુંદેલા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજા વીરસિંહ જુદેવ બુંદેલા તેમના અનુગામી હતા. આ મહેલ તેની છત્રીઓ અને સુંદર આંતરિક ભીંતચિત્રો માટે પ્રખ્યાત છે. મહેલમાં ધાર્મિક ગ્રંથો સાથે સંબંધિત ચિત્રો પણ જોઈ શકાય છે. (Photo: Madhya Pradesh Tourism)
રાય પ્રવીણ મહેલ, ઓરછા રાય પ્રવીણ મહેલ રાજા ઇન્દ્રમણિ બુંદેલાના ખુબસુરત ગણિકા પ્રવીણ રાયની યાદમાં બાંધવામાં આવ્યો હતો . તે કવીયત્રી અને સંગીતકાર હતી. જ્યારે મુગલ બાદશાહ અકબરને તેની સુંદરતા વિશે ખબર પડી તો તેણે તેને દિલ્હી લાવવાનો આદેશ આપ્યો. પ્રવીણનો ઈન્દ્રમણિ બુંદેલા પ્રત્યેનો સાચો પ્રેમ જોઈને અકબરે તેને ઓરછા પાછી મોકલી દીધી. આ બે માળનો મહેલ બાગ બગીચાઓ અને વૃક્ષોથી ઘેરાયેલો છે. રાય પ્રવીણ મહેલમાં એક નાનો હોલ અને ચેમ્બર છે. (Photo: Madhya Pradesh Tourism)
ચતુર્ભુજ મંદિર, ઓરછા રાજ મહેલની નજીક આવેલું ચતુર્ભુજ મંદિર ઓરછાનું મુખ્ય આકર્ષણ છે. આ મંદિર ચતુર્ભુજ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર 1558 થી 1573 ની વચ્ચે રાજા મધુકર શાહ બુંદેલા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તત્કાલિન સમયની આ શ્રેષ્ઠ કૃતિ યુરોપિયન કેથેડ્રલ્સ જેવી જ છે. આ મંદિરમાં એક વિશાળ પ્રાર્થના હોલ છે જ્યાં કૃષ્ણ ભક્તો એક્ઠાં થાય છે. ઓરછાનું આ સ્થળ મુલાકાત માટે ખૂબ જ સારું છે. (Photo: Madhya Pradesh Tourism)
ફુલ બાગ, ઓરછા બુંદેલા રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ આ ફૂલ બગીચો ચારે બાજુથી દિવાલોથી ઘેરાયેલો છે. પાલકી મહેલ પાસે આવેલો આ બગીચો બુંદેલા રાજાઓનું વિશ્રામ સ્થાન હતું. હાલમાં તે પિકનિક સ્પોટ તરીકે જાણીતું છે. ફૂલ બાગમાં એક ભૂગર્ભ મહેલ અને આઠ સ્તંભ પર બનેલો મંડપ છે. અહીં ચંદનની કટોરી માંથી પડતું પાણી ધોધ જેવું દેખાય છે. (Photo: Madhya Pradesh Tourism)
લક્ષ્મીનારાયણ મંદિર, ઓરછા લક્ષ્મીનારાયણ મંદિર વર્ષ 1622માં બિરસિંહ જુદેવ બુંદેલા દ્વારા બનાવવામાં આવ્યું હતું . આ મંદિર ઓરછા ગામની પશ્ચિમે એક ટેકરી પર બનેલું છે. મંદિરમાં સત્તરમી અને ઓગણીસમી સદીના ચિત્રો છે. આ ચિત્રોના ચમકીલા રંગો એટલા જીવંત લાગે છે કે તે તાજેતરમાં બનાવવામાં આવ્યા હોય તેવા દેખાય છે. આ મંદિરમાં ઝાંસીના યુદ્ધના દ્રશ્યો અને ભગવાન કૃષ્ણની આકૃતિઓ બનેલી છે. (Photo: Madhya Pradesh Tourism)
સુંદર મહેલ, ઓરછા સુંદર મહેલ રાજા જુઝાર સિંહ બુંદેલાના પુત્ર ધુરભજન બુંદેલાએ બંધાવ્યો હતો. ધુરભજનના મૃત્યુ પછી તેઓ એક સંત તરીકે જાણીતા થયા. હાલમાં આ મહેલ તદ્દન ક્ષતિગ્રસ્ત છે. (Photo: wikipedia)
ઓરછા કેવી રીતે પહોંચવું? ઓરછા મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના નિવાડી વિસ્તારમાં આવેલું છે. ઓરછાનું નજીકનું રેલવે સ્ટેશન ઝાંસી રેલવે સ્ટેશન લગભગ 18 કિલોમીટર દૂર છે. ઉપરાંત ટીકમગઢ, લલીતપુર પણ નજીકના અન્ય રેલવે સ્ટેશન છે. ઝાંસીથી બસ મારફતે ઓરછા પહોંચી શકાય છે. ખજુરાહો નજીકનું એરપોર્ટ છે જ્યાંથી ઓરછા 163 કિમી દૂર છે. રોડ માર્ગે ઝાંસી પહોંચી ઓરછા સરળતાથી પહોંચી શકાય છે. (Photo: Madhya Pradesh Tourism)
ઓરછા મુખ્ય તહેવાર અને ઉત્સવ ઓરછાના મુ્ખ્ય તહેવારમાં રામ નવમી, રામ સીતા વિવાહ ઉત્સવ, દિવાળી, દેવ દિવાળી છે. રામ રાજા સરકાર મંદિરમાં દર્શન કરવા દરરોજ મોટી સંખ્યામાં ભકતો ઓરછા આવે છે. (Photo: Madhya Pradesh Tourism)