Ibrahim Zadran: અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝદરાને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઐતિહાસિક સદી ફટકારી છે. ઝદરાન સામે ઇંગ્લેન્ડની મજબૂત બોલિંગ પણ મજાક જેવી લાગતી હતી. ઇબ્રાહિમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ સાથે તે ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ અફઘાન બેટ્સમેન પણ છે. ઝદરાને 106 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. 37 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ અફઘાનિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું અને ઇબ્રાહિમે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી સાથે મળીને ઇનિંગને ખૂબ સારી રીતે સંભાળી હતી. બંનેએ મળીને ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી.
લાહોરમાં ઝદરાનીએ કર્યો રનનો ઢગલો
અફઘાનિસ્તાનના બેટ્સમેન ઇબ્રાહિમ ઝદરાને લાહોરના મેદાન પર પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. ઝદરાનીને ઇંગ્લિશ ટીમના બોલિંગ આક્રમણને તોડી પાડ્યું હતું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. ટીમે માત્ર 37 રનના સ્કોરે તેની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરેલા ઇબ્રાહિમ એક છેડે ઉભો રહ્યો અને કેપ્ટન શાહિદીનો સારો સાથ આપ્યો હતો.
મેચ દરમિયાન ઈબ્રાહિમ ઝદરાને ખુલ્લેઆમ પોતાનો દમ દેખાડ્યો હતો. ઝદરાને 146 બોલમાં 177 રન બનાવ્યા હતા. ઇબ્રાહિમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન તરફથી પ્રથમ સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. ત્યાં જ તે અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર ઓપનિંગ બેટ્સમેન પણ બની ગયો છે.
ઇબ્રાહિમ ઝદરાન ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો એકમાત્ર બેટ્સમેન બન્યો છે. ઝદરાને 2023 માં રમાયેલા વનડે વર્લ્ડ કપમાં પણ સદી ફટકારી હતી. પોતાની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન, અફઘાનિસ્તાનના આ ઓપનરે 12 ચોગ્ગા અને છ જબરદસ્ત છગ્ગા ફટકાર્યા હતા. જોકે પચાસમી ઓવરમાં ઈબ્રાહિમ ઝદરાન જોફ્રા આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો હતો.
તમને જણાવી દઈએ કે, ઇબ્રાહિમ ઝદરાને પોતાની ટીમ સાથે ગઈકાલે રાત્રે લાહોરમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. ઇંગ્લેન્ડ સામેની તેમની બીજી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ માટે તેમણે જોરદાર રીતે તૈયારી કરી હતી. જેની કેટલીક તસવીરો ઇબ્રાહિમ ઝદરાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડર એક્સ પર પણ પોસ્ટ કર્યા હતા.





