India vs Pakistan: કેન્દ્રીય સૂચના-પ્રસારણ અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે આગામી વર્ષે એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ પર નિર્ણય ગૃહ મંત્રાલય કરશે. ભારતને શું કરવાનું છે કે શું નહીં તે મામલામાં કોઇ બીજો તેને સલાહ આપી શકે નહીં.
અનુરાગ ઠાકુરની આ પ્રતિક્રિયા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી એશિયન ક્રિકેટ પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગણી પછી આવી છે. પીસીબી ચેરમેન રમીઝ રાજાએ બીસીસીઆઈ સચિવ જય શાહના તે નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત એશિયા કપ માટે પાકિસ્તાન જશે નહીં. તેનું આયોજન તટસ્થ સ્થળ પર થશે. જય શાહે આ નિવેદન 18 ઓક્ટોબરે બીસીસીઆઈના સચિવ પદે ફરી પસંદગી થયા પછી આપ્યું હતું.
પીસીબીએ એ પણ કહ્યું હતું કે જો ભારત ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ પણ 2023માં વન-ડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. જોકે અનુરાગ ઠાકુરે કહ્યું કે 2023માં ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સહિત બધી મોટી ટીમો ભાગ લેશે.
આ પણ વાંચો – પાકિસ્તાન સામે મેચ પહેલા સચિને આપી ટીમ ઇન્ડિયાને સલાહ, બેટિંગ કરતા સમયે આ શબ્દોનો ના કરે ઉપયોગ
ખેલાડીઓની સુરક્ષા સર્વોપરી – અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલાડીઓની સુરક્ષા સર્વોપરી છે. ભારતીય ટીમના એશિયા કપમાં જવા વિશે નિર્ણય ગૃહ મંત્રાલય કરશે. એ પૂછવા પર કે શું આગામી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના સરહદ પાર જવાની સંભાવના છે. તેમણે કહ્યું કે સંભાવના હંમેશા રહે છે, કોઇએ વિચાર કર્યો હતો કે કોરોના આવશે. કશું પણ થઇ શકે છે. જોકે તેની વધારે સંભાવના નથી.
અનુરાગ ઠાકુરે કહ્યું કે આપણે આઈસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમતા આવ્યા છીએ. જોકે દ્વિપક્ષીય શ્રેણીને લઇને અમારું વલણ પહેલા હતું તે જ છે. આતંકવાદ સાથે ક્રિકેટ ના રમી શકાય.
વર્લ્ડ કપ માટે બધી ટીમોને આમંત્રણ આપીશું – અનુરાગ ઠાકુર
આગામી વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતમાં વર્લ્ડ કપ રમવા માટે ક્વોલિફાય કરી ચુકેલી બધી ટીમોને આમંત્રણ આપવામાં આવશે. ભારત હવે તે સ્થિતિમાં નથી કે કોઇનું સાંભળશે અને કોઇ પાસે સાંભળવાનું કોઇ કારણ નથી. અમે બધાનું સ્વાગત કરીશું. આશા છે કે બધા આવશે.