Asia Cup 2023 : આ વર્ષે યોજાનારા એશિયા કપને લઈને હજુ પણ સસ્પેન્સ છે. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની હતી પરંતુ ત્યાંની પરિસ્થિતિ જોતાં હવે ત્યાં રમાય તેવી આશા ખૂબ જ ઓછી લાગી રહી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ હિંસક માહોલ છે. બીસીસીઆઈ પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો પહેલા જ ઈનકાર કરી ચૂક્યું છે અને આ સ્થિતિને જોતા ત્યાં રમાય તેવી શક્યતા ઓછી છે.
પીસીબી યૂએઈમાં પણ મેચ યોજવા માંગે છે
બીસીસીઆઇના આગ્રહ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપને હાઈબ્રિડ મોડલમાં યોજવા માટે એશિયા ક્રિકેટ કાઉન્સિલને દરખાસ્ત કરી હતી. આ પ્રમાણે પાકિસ્તાન અને યૂએઈ મળીને એશિયા કપનું આયોજન કરશે. જોકે મુશ્કેલી એ છે કે શ્રીલંકા અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડ આ માટે તૈયાર નથી.
શ્રીલંકા અને બાંગ્લાદેશ યૂએઈમાં રમવા માંગતા નથી
ક્રિકબઝના સમાચાર અનુસાર બાંગ્લાદેશ અને શ્રીલંકાએ યૂએઈમાં મેચ રમવાનો ઈનકાર કરી દીધો હતો. તેમનું કહેવું છે કે સપ્ટેમ્બરની ગરમીમાં તેમના ખેલાડીઓ ત્યાં નહીં રમે. પાકિસ્તાન અન્ય કોઈ દેશને હોસ્ટિંગ આપવા તૈયાર નથી. જો આમ થશે તો તેણે પહેલા જ કહ્યું છે કે તે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મુકાબલો, ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
પહેલા પણ સપ્ટેમ્બરમાં યોજાઇ છે ટૂર્નામેન્ટ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ જણાવ્યું હતું કે પહેલા પણ સપ્ટેમ્બરમાં યૂએઈમાં ટૂર્નામેન્ટનું આયોજન થયા છે. વર્ષ 2018માં સપ્ટેમ્બર મહિનામાં યૂએઇમાં એશિયા કપનું આયોજન થયું હતું ત્યારે બીસીસીઆઇને યજમાની મળી હતી. ગત વર્ષે જ્યારે શ્રીલંકા આર્થિક સંકટને કારણે યજમાની કરી શક્યું ન હતું ત્યારે ઓગસ્ટ મહિનામાં એશિયા કપનું આયોજન યૂએઇમાં કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી એસીસી ચીફ જય શાહે આ અંગે સ્પષ્ટ રીતે કશું કહ્યું નથી.