Cricket World Cup 2023 Schedule : આઈસીસી વન-ડે વર્લ્ડ કપની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2019ના વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડ અને રનર્સઅપ ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થઈ શકે છે. આ મેચ 5 ઓક્ટોબરે રમાઇ શકાય છે. આ ટૂર્નામેન્ટ 45 દિવસ સુધી ચાલશે. ફાઇનલ મુકાબલો 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ શકે છે.
જાણકારી પ્રમાણે આઈપીએલ 2023 પછી વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. આ પહેલા ક્રિકબઝે આ જાણકારી આપી છે. સૂત્રોને હવાલાથી જણાવવામાં આવ્યું છે કે ભારત પાંચ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15મી ઓક્ટોબરને રવિવારે યોજાઈ શકે છે.
આઈપીએલ 2023 પછી જાહેર થશે કાર્યક્રમ
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) તમામ સંબંધિતો પાસેથી ઔપચારિક મંજૂરી મેળવ્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પછી ટૂંક સમયમાં જ આ કાર્યક્રમ જાહેર કરે તેવી શક્યતા છે. યજમાન તરીકે બીસીસીઆઇ તારીખ અને સ્થળો અંગે ચોક્કસપણે આખરી નિર્ણય લઈ શકે છે.
પાકિસ્તાન વર્લ્ડ કપ માટે ભારત આવવા તૈયાર
ક્રિકબઝે જાણકારી આપી છે કે એશિયા કપના આયોજન અંગેના ગતિરોધ વચ્ચે પાકિસ્તાન વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસે આવવા સંમત થયું છે. જોકે તેણે કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી છે. જાણકારી અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) અમદાવાદમાં ભારત વિરુદ્ધ મેચ રમવા પર વાંધો ઉઠાવ્યો છે. કદાચ આ જ કારણ છે કે પીસીબીના અધ્યક્ષ નજમ સેઠી છેલ્લા કેટલાક દિવસોથી દુબઈમાં આઈસીસીની ઓફિસે ગયા હતા.
આ પણ વાંચો – પાકિસ્તાનને ઝટકો, એશિયા કપ પાકિસ્તાનથી શ્રીલંકામાં ખસેડવામાં આવશે
પીસીબી મુખ્ય મેચોના સ્થળોમાં કેટલાક ફેરફારો ઇચ્છે છે
વર્લ્ડ કપ માટે ભારત આવવાની સંમતિ આપ્યા બાદ પીસીબી મોટી મેચોના સ્થળોમાં કેટલાક ફેરફાર ઈચ્છે છે. જોકે પીસીબીએ અમદાવાદમાં ફાઈનલ રમવાની હા પાડી હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન તેની મેચો અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગાલુરુમાં રમે તેવી શક્યતા છે. બીસીસીઆઇએ પાકિસ્તાનની મોટાભાગની મેચોનું આયોજન ચેન્નાઈ સહિત સાઉથ ઝોનમાં જ કરવાનો નિર્ણય કર્યો છે.
વાનખેડે સ્ટેડિયમમાં સેમિફાઇનલ
અમદાવાદ અને દક્ષિણના ત્રણ મેદાનો ઉપરાંત કોલકાતા, દિલ્હી, ઇન્દોર, ધર્મશાળા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઇમાં મેચો યોજાશે. મોહાલી અને નાગપુર આ યાદીમાંથી બહાર છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સેમિફાઈનલનું આયોજન થઈ શકે છે. દરેક ટીમ નવ લીગ મેચ રમશે. વર્લ્ડકપમાં કુલ 10 ટીમો હશે અને 48 મેચો રમાશે.
8 ટીમો નક્કી, ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાંથી 2 ટીમોની એન્ટ્રી થશે
ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશે ડાયરેક્ટ ક્વોલિફાય કર્યું છે. દક્ષિણ આફ્રિકાની નવી એન્ટ્રી થઇ છે. બે સ્થાન માટે ઝિમ્બાબ્વેમાં જૂન-જુલાઈમાં ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ રમાશે. જેમાં બે પૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા, નેધરલેન્ડ, આયર્લેન્ડ, નેપાળ, ઓમાન, સ્કોટલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યજમાન ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો ખેલાશે.જેમાં બે ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે.