Matthew Wade Retirement: ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે મંગળવારે (29 ઓક્ટોબર) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની સફેદ બોલની શ્રેણીમાં તે સહાયક કોચની ભૂમિકામાં જોવા મળશે. તે ઓસ્ટ્રેલિયાનો ફિલ્ડિંગ અને વિકેટકીપિંગ કોચ હશે. તાજેતરમાં તેણે લેવલ 3 કોચિંગ સર્ટિફિકેટ મેળવ્યું છે.
2021 ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં વેડની ઇનિંગ્સ હંમેશા યાદ રહેશે. પાકિસ્તાન સામેની મેચમાં તેણે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી બહાર લાવીને જીત તરફ દોરી હતી. ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત ટી-20 ચેમ્પિયન બન્યું હતું. વેડનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. તેણે 16 વર્ષની ઉંમરે કેન્સર હોવાનું નિદાન થયું હતું. તે રંગ અંધ પણ છે. આ સિવાય તેણે સુથાર અને પ્લમ્બર તરીકે પણ કામ કર્યું છે.
16 વર્ષની ઉંમરે કેન્સર અને પ્લમ્બર તરીકે કર્યું કામ
મેથ્યુ વેડ 16 વર્ષનો હતો જ્યારે તેને આકસ્મિક રીતે ટેસ્ટિક્યુલર કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણે ફૂટબોલ મેચ દરમિયાન જંઘામૂળમાં ઈજા થઈ હતી. તેની સારવાર દરમિયાન તેને આ ખરાબ સમાચાર મળ્યા. તેણે બે વાર કીમોથેરાપી કરાવી. જ્યારે તે કેન્સરની સારવાર લઈ રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે તે રમી શકશે નહીં. તેથી તેણે પ્લમ્બર તરીકેની તાલીમ લીધી હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકારે શરૂ કરી બે નવી સેવાઓ, હવે સરળતાથી નામ, અટક અને જન્મ તારીખ સુધારી શકાશે
રંગ અંધ હોવાને કારણે ક્રિકેટ રમવામાં મુશ્કેલી
વેડ રંગ અંધ છે, એટલે કે તેને રંગો વચ્ચે તફાવત કરવામાં મુશ્કેલી પડે છે. આ કારણે તેણે નાઇટ ક્રિકેટ રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ખાસ કરીને ગુલાબી બોલથી. આ અંગે તેણે એકવાર કહ્યું હતું કે, “કેટલીકવાર બોલ ક્યાંથી આવી રહ્યો છે તે શોધવામાં થોડો સમય લાગે છે. હું બોલનો રંગ જોઈ શકું છું, તેથી હું તેને પીક કરી લઉ છું. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર ક્રિસ રોજર્સ પણ રંગ અંધ હતા અને તેમણે 2014માં પિંક બોલની મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
સુથારી કામ કર્યું અને બાળકનો જન્મ સમય પહેલા કરાવ્યો
વર્ષ 2018 માં ટીમમાંથી બહાર થયા પછી વેડે સુથારી તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને 9-10 મહિના સુધી કામ કર્યું હતું. જો તેની પત્ની ન હોત તો તે ભાગ્યે જ ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી કરી શક્યો હોત. જ્યારે તેને એશિઝ પહેલા ‘A’ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે તેની પત્ની જુલિયાને ફોન કરીને કહ્યું હતું કે તે પસંદગીકારોને કહેશે કે તે પસંદ થવા માંગતો નથી. પણ પત્નીના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેણીએ તેના ડૉક્ટરને બોલાવ્યા અને તેને નિર્ધારિત સમય પહેલા બાળકને જન્મ આપવા કહ્યું હતું.





