/indian-express-gujarati/media/media_files/2026/01/05/bcci-bcb-dispute-2026-01-05-16-26-42.jpg)
ટી 20 વર્લ્ડ કપ પર ભારત-બાંગ્લાદેશ વચેના તણાવની અસર જોવા મળી રહી છે Photograph: (જનસત્તા)
T20 World Cup 2026 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની તનાવપૂર્ણ દ્વિપક્ષિય પરિસ્થિતિની અસર હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઇસીસીને સત્તાવાર રીતે વિનંતી કરી છે કે આગામી મહિને યોજાનાર ટી 20 વર્લ્ડ કપમાં તેમની તમામ મેચો ભારતથી ખસેડીને સહ-યજમાન શ્રીલંકામાં કરાવવામાં આવે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) આ માંગ પાછળ ટીમની 'સુરક્ષા ચિંતાઓ' ના હવાલો આપ્યો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર બીસીબીની આ વિનંતી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ચેરમેન જય શાહની આગેવાનીમાં ટૂર્નામેન્ટ માટે નવો કાર્યક્રમ તૈયાર કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.
બાંગ્લાદેશની મેચો કોલકાતા-મુંબઈમાં રમાવાની છે
હાલના કાર્યક્રમ અનુસાર બાંગ્લાદેશને ગ્રુપ-સી ની ત્રણ મેચ કોલકાતામાં રમવાની હતી. જેમાં 7 ફેબ્રુઆરીએ વિન્ડિઝ સામે, 9 ફેબ્રુઆરીએ ઈટાલી અને 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની પ્રારંભિક મેચનો સમાવેશ થાય છે. ગ્રુપ સ્ટેજની તેમની છેલ્લી મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે રમાવાની છે.
આઇપીએલ વિવાદ બાદ આ મામલો વધ્યો હતો
બીસીબીનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને આગામી આઇપીએલ સિઝન માટે ટીમમાંથી બહાર કરવા જણાવ્યું હતું. બીસીસીઆઈએ આ પાછળ તાજેતરની ઘટનાક્રમનો હવાલો આપ્યો હતો, જેને બાંગ્લાદેશની ચાલી રહેલી સ્થાનિક પરિસ્થિતિ સાથે જોડવામાં આવી રહી છે.
બાંગ્લાદેશ સરકારનો જવાબ
આઇપીએલ સાથે જોડાયેલા આ નિર્ણય બાદ બાંગ્લાદેશ સરકારની પ્રતિક્રિયા આવી હતી. મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારમાં યુવા અને રમતગમત બાબતોના સલાહકાર આસિફ નઝરુલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે અમે બાંગ્લાદેશ ક્રિકેટ, ક્રિકેટરો અને દેશનું કોઈ પણ અપમાન સહન કરીશું નહીં. ગુલામીના દિવસો પૂરા થઈ ગયા છે.
શ્રીલંકામાં મેચ કરાવવાનો નિર્દેશ
આસિફ નઝરુલે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે બોર્ડે સ્પષ્ટ કરવું જોઈએ કે જો કોઈ બાંગ્લાદેશી ક્રિકેટર કોન્ટ્રાક્ટ હોવા છતાં ભારતમાં રમી શકતો નથી, તો બાંગ્લાદેશની આખી ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં જઈને સલામત અનુભવી શકશે નહીં. મેં બોર્ડ (બીસીબી)ને પણ સૂચના આપી છે કે, તેઓ તેમની મેચો શ્રીલંકામાં યોજવાની વિનંતી કરે.
આ પણ વાંચો - આઈપીએલ 2026 : KKR એ મુસ્તાફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કર્યો
સરકારના પ્રતિસાદ બાદ બીસીબીએ 24 કલાકની અંદર બે 'ઈમરજન્સી મિટિંગ' યોજી હતી, જેમાં રવિવારે બપોરે વર્ચ્યુઅલ મિટિંગનો પણ સમાવેશ થાય છે. આ પછી બીસીબીએ ભારત ન જવાનો નિર્ણય લીધો હતો. બીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડે છેલ્લા 24 કલાકના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને ભારતમાં યોજાનારી મેચોમાં રાષ્ટ્રીય ટીમની ભાગીદારીને લગતા તમામ સંજોગો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ’
બાંગ્લાદેશની ટીમ ભારત નહીં જાય: બીસીબી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા બાદ અને ભારતમાં બાંગ્લાદેશની ટીમની સલામતી અને સુરક્ષા અંગે વધતી ચિંતાઓ અને બાંગ્લાદેશ સરકારની સલાહને ધ્યાનમાં લીધા પછી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નિર્ણય લીધો છે કે હાલના સંજોગોમાં બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમ ટૂર્નામેન્ટ માટે ભારત જશે નહીં.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તેણે આઇસીસીને તેની તમામ મેચો ભારતની બહારના સ્થળે ખસેડવા માટે ઔપચારિક વિનંતી કરી છે. બાદમાં આસિફ નઝરુલે અન્ય એક પોસ્ટમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નિર્ણયને આવકાર્યો હતો.
બાંગ્લાદેશે આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો
બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોમવારે માહિતી આપી હતી કે આઈપીએલની મેચોનું બાંગ્લાદેશમાં પ્રસારણ કરવામાં આવશે નહીં. તેમણે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને 2026 સિઝન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ટીમમાંથી બાકાત રાખવાના નિર્ણયને આ પ્રતિબંધ પાછળનું કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે મુસ્તાફિઝુર રહેમાનને આઈપીએલમાંથી બાકાત રાખવાથી બાંગ્લાદેશના નાગરિકો દુ:ખી અને ગુસ્સે થયા છે, જેના કારણે લીગનું પ્રસારણ કરવામાં આવશે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us