/indian-express-gujarati/media/media_files/2026/01/03/mustafizur-rahman-2026-01-03-14-58-50.jpg)
આઈપીએલ 2026માં કેકેઆરે બાંગ્લાદેશના મુસ્તાફિઝુર રહેમાનને રિલીઝ કર્યો
IPL 2026 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને આઈપીએલ 2026ની સિઝન પહેલા બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી રિલીઝ કરવા કહ્યું હતું. હવે કેકેઆરે તેને રિલીઝ કરી દીધો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાના હવાલાથી આ જાણકારી આપી હતી.
ગત મહિને ખેલાડીઓની મિની હરાજીમાં કેકેઆરે ડાબોડી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને રુપિયા 9.20 કરોડમાં ખરીદ્યો હતો. મુસ્તફિઝુર રહેમાનની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ સાથેની બોલી પ્રક્રિયા બાદ કેકેઆરએ આ 30 વર્ષીય બોલરને પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળતા મેળવી હતી.
જો જરૂર પડશે તો રિપ્લેસમેન્ટ ઉપલબ્ધ થશે
બીસીસીઆઇએ કહ્યું કે જો જરૂર પડશે તો કેકેઆરને તેના સ્થાને અન્ય ખેલાડીની પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવશે. દેવજીત સૈકિયાએ શનિવારે ગુવાહાટીમાં જણાવ્યું હતું કે બીસીસીઆઈએ કોલકાતા નાઇટ રાઇડર્સને પોતાની ટીમમાંથ મુસ્તાફિઝુર રહેમાનને રિલીઝ કરવા જણાવ્યું છે. જો જરૂરી હોય તો તેઓ રિપ્લેસમેન્ટ માટે પૂછી શકે છે. જો તેઓ વિનંતી કરશે તો બીસીસીઆઈ રિપ્લેસમેન્ટ ખેલાડીને મંજૂરી આપશે.
બીસીસીઆઈ પર દબાણ વધી રહ્યું હતું
જ્યારે દેવજીત સૈકિયાને પૂછવામાં આવ્યું કે બીસીસીઆઈએ કોલકાતા નાઈટ રાઈડર્સને આવું કેમ કહ્યું છે તો તેમણે જવાબ આપ્યો કે તાજેતરના ઘટનાક્રમને કારણે. બાંગ્લાદેશમાં એક હિન્દુ વ્યક્તિની હત્યા બાદ અને ત્યાંની લઘુમતીઓની સલામતી માટેની ભારતની ચિંતા બાદ બાંગ્લાદેશી ક્રિકેટરની ભાગીદારીને લઈને બીસીસીઆઇ પર દબાણ વધી રહ્યું હતું.
આ ટીકા કેકેઆરના સહ-માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન સુધી પણ પહોંચી હતી, જેમાં ભાજપના કેટલાક રાજકારણીઓએ હાલની પરિસ્થિતિમાં બોલરને ટીમમાં સામેલ કરવાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. મુસ્તાફિઝુર રહેમાન 2016 થી અત્યાર સુધીમાં આઠ આઈપીએલ સિઝનમાં રમી ચૂક્યો છે. તેણે 2019 અને 2020ની ટૂર્નામેન્ટ મિસ કરી હતી.
આ પણ વાંચો - 25.20 કરોડમાંથી કેમરૂન ગ્રીનને માત્ર 9.74 કરોડ રુપિયા જ મળશે, જાણો ક્યાં-ક્યાં કાપવામાં આવશે 'પૈસા'
મુસ્તાફિઝુર રહેમાન સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી ટીમો તરફથી રમી ચૂક્યો છે. ત્રણ વખતની આઈપીએલ વિજેતા કેકેઆર માટે આગામી આવૃત્તિ તેની પ્રથમ સિઝન બનવાની હતી.
દ્વિપક્ષીય ક્રિકેટ અનિશ્ચિત
ભારત અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગત વર્ષે વ્હાઈટ બોલની દ્વિપક્ષીય શ્રેણી સ્થગિત કરી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શુક્રવારની સાંજે કહ્યું હતુ કે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં ત્યાં શ્રેણી રમાશે. જોકે બીસીસીઆઇ કાર્યક્રમ અંગે કોઈ નક્કર વચનો આપી રહ્યું નથી. બાંગ્લાદેશની અસ્થિર રાજકીય પરિસ્થિતિને જોતાં તે તેની સાથે સહમત થવાની સંભાવના પણ નથી. ઢાકાના પાકિસ્તાન સાથેના ગાઢ સંબંધોએ પ્રાદેશિક સમીકરણોને વધુ જટિલ બનાવ્યા છે.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીના ઓગસ્ટ 2025 માં ભારત ભાગી ગયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us