BCCI President: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ પદની ચૂંટણીની લઇને રાજકારણ ગરમાયું છે. સૌરવ ગાંગુલીને સતત બીજી વખત બીસીસીઆઈ અધ્યક્ષ ન બનાવવાને લઇને તૃણમૂલ કોંગ્રેસ (TMC)અને ભાજપા (BJP)આમને સામને છે. તૃણમૂલ કોંગ્રેસે આ ઘટનાને રાજનીતિક પ્રતિશોધ ગણાવી છે. ટીએમસીએ સવાલ ઉઠાવ્યો કે જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પુત્ર જય શાહ બીજા કાર્યકાળ માટે બીસીસીઆઈના સચિવ પદ પર યથાવત્ રહી શકે છે તો ગાંગુલી ફરી વખત અધ્યક્ષ કેમ ના બની શકે.
બીજી તરફ ભાજપાએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપાએ કહ્યું કે તેમણે ક્યારેય પણ ગાંગુલીને પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો નથી. સાથે સવાલ ઉઠાવ્યો કે શું તૃણમૂલ કોંગ્રેસે ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ બનાવ્યા હતા?
તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે ભાજપાએ ગત વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા લોકો વચ્ચે એ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો કે રાજ્યમાં લોકપ્રિય ગાંગુલી પાર્ટીમાં સામેલ થશે. અમે આ મામલા પર સીધી રીતે કોઇ ટિપ્પણી કરી રહ્યા નથી. ભાજપાએ ચૂંટણી દરમિયાન અને પછી આ પ્રકારનો પ્રચાર કર્યો હતો.
આ પણ વાંચો – રોજર બિન્ની 18 ઓક્ટોબરે સંભાળશે BCCIની કમાન, ગાંગુલીએ IPLના ચેરમેન બનવાથી ઇન્કાર કર્યો
તેમણે કહ્યું કે આવામાં નિશ્ચિત રુપે ભાજપાની જવાબદારી રહેશે કે કે આવી અટકળો પર જવાબ આપે (શું ગાંગુલીને બીસીસીઆઈ પ્રમુખના રુપમાં બીજો કાર્યકાળ ના મળવા પાછળ કોઇ રાજનીતિ છે). એવું લાગી રહ્યું છે કે ભાજપા સૌરવને નીચું દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપાના એક મોટા નેતા આ વર્ષે મે માં ગાંગુલીના ઘરે રાત્રી ભોજન માટે ગયા હતા.
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડો. શાંતનું સેને પણ આ સંબંધમાં એક ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે આ રાજનીતિક પ્રતિશોધનું ઉદાહરણ છે. ગૃહમંત્રી અમિત શાહનો પુત્ર બીસીસીઆઈનો સચિવ બની રહી શકે છે. સૌરવ ગાંગુલી ભાજપામાં સામેલ ના થયો અને તે મમતા બેનરજીના રાજ્યમાંથી છે જેથી તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. અમે તમારી સાથે છીએ દાદા.
આરોપો પર પ્રતિક્રિયા આપતા ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે આ વાતને નિરાધાર ગણાવી છે. સૌરવ ગાંગુલીએ જ્યારે બીસીસીઆઈ અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળ્યો હતો તો તેમાં શું તૃણમૂલ કોંગ્રેસની કોઇ ભૂમિકા હતી? ટીએમસીએ દરેક મુદ્દાનું રાજનીતિકરણ કરવાનું બંધ કરી દેવું જોઈએ