BCCI : ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ-2022માં ભારતીય ટીમનો સેમિ ફાઇનલમાં પરાજય થયો હતો. ટીમના પ્રદર્શન પર બીસીસીઆઈએ સખત એક્શન લીધા છે. બીસીસીઆઈએ ચેતન શર્માની આગેવાનીવાળી ચાર સભ્યોની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી કરી છે. પસંદગી સમિતિમાં ચેતન શર્મા, હરવિંદર સિંહ, સુનીલ જોષી અને દેબાશીષ મોહંતી હતા. ચેતન શર્માના કાર્યકાળ દરમિયાન ટીમ 2021ના યૂએઈમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઇ ગઇ હતી.
ચાર વર્ષનો હોય છે કાર્યકાળ
આ પહેલા ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. પસંદગી સમિતિમાં ચેતન શર્મા (ઉત્તર ક્ષેત્ર), હરવિંદર સિંહ (મધ્ય ક્ષેત્ર), સુનીલ જોષી(દક્ષિણ ક્ષેત્ર) અને દેબાશીષ મોહંતી (પૂર્વી ક્ષેત્ર) હતા. અભય કુરવિલાનો કાર્યકાળ પહેલા જ સમાપ્ત થઇ ગયો હતો જેથી પશ્ચિમ ક્ષેત્રથી કોઇ પસંદગીકર્તા ન હતા. તેમનો રાષ્ટ્રીય પસંદગીકાર તરીકેનો કાર્યકાળ ઘણા ઓછા સમય માટે રહ્યો. આમાંથી કેટલાકની નિમણુંક 2020માં તો કેટલાકની 2021માં થઇ હતી. આ પસંદગી સમિતિએ અંતિમ વખત બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમની પસંદગી કરી હતી. એક સીનિયર નેશનલ સિલેક્ટરનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે. તેને આગળ પણ વધારી શકાય છે.
આ પણ વાંચો – હું બ્રેક લેવામાં વિશ્વાસ રાખતો નથી, રવિ શાસ્ત્રીએ રાહુલ દ્રવિડ પર કર્યો પ્રહાર
બીસીસીઆઈએ મંગાવી અરજીઓ
સમાચાર એજન્સી પીટીઆઈએ 18 ઓક્ટોબરે બીસીસીઆઈની એજીએમ પછી જાણકારી આપી હતી કે ચેતન શર્માની હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. બીસીસીઆઈએ શુક્રવારે પસંદગીકારો માટે અરજીઓ મંગાવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર છે.
અરજી માટે માપદંડ
બીસીસીઆઈઓ નેશનલ પસંદગીકારની અરજી માટે માપદંડ નક્કી કર્યા છે. બોર્ડના મતે ઉમેદવારોએ ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ કે 30 ફર્સ્ટ ક્લાસ મેચ કે 10 વન-ડે અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમેલી હોવી જોઈએ. ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા નિવૃત્તિ લીધેલી હોવી જોઈએ. આ સિવાય જો કોઇ વ્યક્તિ 5 વર્ષ સુધી કોઇ ક્રિકેટ સમિતિનો સભ્ય રહ્યો છે તો તે પસંદગી સમિતિનો સભ્ય બનવા પાત્ર રહેશે નહીં.