IPL 2023 centuries : આઈપીએલ 2023માં લીગ રાઉન્ડની મેચો સમાપ્ત થવાની અણી પર છે. જોકે હજુ સુધી ગુજરાત ટાઇટન્સને છોડીને કોઇ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઇ શકી નથી. આઇપીએલની આ સિઝનમાં આ વખતે 200 રનનો સ્કોર ઘણી વખત થયો છે. જોકે વ્યક્તિગત સ્કોરની વાત કરવામાં આવે તો આ વખતે અત્યાર સુધીમાં ફક્ત છ જ પ્લેયરો સદી ફટકારવા સફળ રહ્યા છે. આઈપીએલ 2023માં કયા-કયા પ્લેયર્સે સદી ફટકારી છે તે વિશે જણાવી રહ્યા છીએ.
યશસ્વી જયસ્વાલ, 124 રન
રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલે મુંબઇ ઇન્ડિયન્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં સદી ફટકારી હતી. તેણે આ ઇનિંગ્સમાં 62 બોલમાં 16 ફોર, 8 સિક્સરની મદદથી 124 રન બનાવ્યા હતા. આ સિઝનમાં આ હાઇએસ્ટ સ્કોર છે.
વેંકટેશ ઐયર, 104 રન
કોલકાતા નાઇટ રાઇડર્સના વેંકટેશ ઐયરે મુંબઈ ઇન્ડિયન્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં સદી ફટકારી હતી. તેણે 51 બોલમાં 6 ફોર, 9 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 203.92ની રહી હતી.
સૂર્યકુમાર યાદવ, અણનમ 103 રન
આક્રમક બેટિંગ માટે જાણીતો મુંબઈ ઇન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ પણ આ યાદીમાં સામેલ છે. સૂર્યકુમારે ગુજરાત ટાઇટન્સ સામે 49 બોલમાં 11 ફોર, 6 સિક્સરની મદદથી અણનમ 103 રન બનાવ્યા હતા. આ સદી પણ વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળી હતી. આમ વાનખેડે સ્ટેડિયમમાં આ સિઝનમાં 3 સદી જોવા મળી છે.
આ પણ વાંચો – બોલિંગમાં જોવા મળ્યો ભારતીય બોલરોનો દબદબો, સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ-10માંથી 9 ઇન્ડિયન
પ્રભસિમરન સિંહ, 103 રન
પંજાબ કિંગ્સના પ્રભસિમરન સિંહ દિલ્હી કેપિટલ્સ સામે 65 બોલમાં 10 ફોર, 6 સિક્સરની મદદથી 103 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 158.46ની રહી હતી.
શુભમન ગિલ, 101 રન
શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સ તરફથી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. ગિલની આઈપીએલમાં પ્રથમ સદી છે. ગિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 58 બોલમાં 13 ફોર, 1 સિક્સરની મદદથી 101 રન બનાવ્યા હતા.
હેરી બ્રુક, અણનમ 100
આ વર્ષે વિદેશી પ્લેયર તરીકે સદી ફટકારનાર હેરી બ્રુક એકમાત્ર છે. સનરાઇઝર્સ હૈદરાબાદના બ્રુકે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ઇડન ગાર્ડન્સમાં 55 બોલમાં 12 ફોર, 3 સિક્સરની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા.