FIFA World Cup: ફિફા વર્લ્ડ કપ 2022માં જાપાને જર્મનીને હરાવીને મોટા અપસેટ સર્જ્યો હતો. હવે તેણે સ્પેનને 2-1થી હરાવીને બધાને ચોંકાવી દીધા છે. આ સાથે જ ગ્રુપ-ઇ માંથી જર્મનીની ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચી શકી નથી. આ સિવાય દુનિયાની નંબર 2 ટીમ બેલ્જિયમ પણ ગ્રુપ રાઉન્ડમાંથી બહાર થઇ ગઇ છે.
ફૂટબોલ વર્લ્ડ કપના 88 વર્ષના ઇતિહાસમાં જર્મની ત્રીજી વખત નોકઆઉટમાં સ્થાન બનાવી શક્યું નથી. તે 1938, 2018 અને 2022માં અંતિમ 16માં સ્થાન બનાવવા નિષ્ફળ રહ્યું છે. જર્મનીને અંતિમ 16માં પહોંચવા માટે જીતની સાથે વધારે ગોલ માર્જિનની પણ જરૂર હતી. તેણે કાસ્ટોરિકા સામે જીત તો મેળવી પછી પણ સ્પેનથી ગોલમાં પાછળ રહી ગયું છે. બન્ને ટીમોના 4-4 પોઇન્ટ હતા. જર્મનીએ 6 ગોલ ફટકાર્યા હતા જ્યારે તેની સામે 5 ગોલ થયા હતા. સ્પેને 9 ગોલ કર્યા અને તેની વિરુદ્ધ 3 ગોલ થયા હતા.
ક્રોએશિયા નોકઆઉટમાં, બેલ્જિયમ બહાર
બેલ્જિયમ અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો ગોલ રહિત ડ્રો રહ્યો હતો. તેનાથી ક્રોએશિયા નોકઆઉટમાં પહોંચી ગયું અને બેલ્જિયમ ગ્રુપ રાઉન્ડમાંથી બહાર થઇ ગયું હતું.
આ પણ વાંચો – શાનથી પ્રિ- ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા નેધરલેન્ડ સેનેગલ, કતારના નામે શરમજનક રેકોર્ડ
રોમેલૂ લુકાકુ ગોલથી ચૂક્યો
બેલ્જિયમે શરૂઆતની મેચમાં રોમેલૂ લુકાકુ અને એડેન હેઝાર્ડ જેવા અનુભવી ખેલાડીઓને તક આપી ન હતી. ટીમને 21 વર્ષના મિડફિલ્ડર અમાદૂ ઓનાની પણ ખોટ પડી હતી. બે યલ્લો કાર્ડ મળવાના કારણે તે સસ્પેન્ડ હતો. બેલ્જિયમ પાસે અંતિમ ત્રણ મિનિટમાં બે વખત ગોલ ફટકારવાની શાનદાર તક હતી પણ બન્ને વખત લુકાકુ ચૂકી ગયો હતો.