FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાની ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવીને ચેમ્પિયન બની હતી. આ પછી લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળની ટીમ ઈનામ તરીકે 347 કરોડ રૂપિયા લઈ ગઈ. ફ્રાન્સને 248 કરોડ રૂપિયા મળ્યા છે. આર્જેન્ટિના અને ફ્રાંસની વાત છોડો, જે ટીમો એક પણ મેચ જીતી ન શકી તેમને પણ ખૂબ પૈસા મળ્યા.
હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ યોજાયો હતો. તેની કુલ ઈનામી રકમ 46 કરોડ રૂપિયા હતી. FIFA વર્લ્ડ કપ 2022માં એક પણ મેચ ન જીતી શકનારી ટીમ આના કરતા 64% વધુ પૈસા લઈ ગઈ. યજમાન કતારની ટીમ એક પણ મેચ જીતી શકી નથી. તેમ છતાં તેને 74 કરોડ રૂપિયા મળ્યા. FIFA વર્લ્ડ કપ 2022ની કુલ ઈનામી રકમ લગભગ 3640 કરોડ રૂપિયા હતી. આ અગાઉના વર્લ્ડ કપ કરતાં 330 કરોડ રૂપિયા વધુ છે.
પોર્ટુગલ, બ્રાઝિલ અને ઈંગ્લેન્ડને કેટલા પૈસા મળ્યા
ત્રીજા નંબરે રહેલી ક્રોએશિયાની ટીમને 223 કરોડ રૂપિયા મળ્યા છે. ચોથા નંબરે રહેલી મોરોક્કન ટીમે 206 કરોડ રૂપિયા લીધા હતા. પોર્ટુગલ, બ્રાઝિલ, નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડની સફર ક્વાર્ટર ફાઈનલમાં પૂરી થઈ. ચારેય ટીમોને 140-140 કરોડ રૂપિયા મળ્યા.
આ પણ વાંચો – ફિફા વર્લ્ડ કપ 2022 ફાઇનલ: મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર થયું, પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના ચેમ્પિયન
રાઉન્ડ ઓફ 16 અને ગ્રુપ સ્ટેજ સુધી પહોંચનાર ટીમો માટે પ્રાઈઝ મની
યુનાઇટેડ સ્ટેટ્સ, સેનેગલ, જાપાન, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ કોરિયા રાઉન્ડ ઓફ 16થી આગળ વધી શક્યા નથી. તેમને 107-107 કરોડ રૂપિયા મળ્યા. બીજી તરફ જે ટીમો ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી ન હતી તેમને 74 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ટીમો કતાર, એક્વાડોર, વેલ્સ, ઈરાન, જર્મની, કોસ્ટા રિકા, સર્બિયા ટ્યુનિશિયા, કેનેડા, મેક્સિકો, સાઉદી અરેબિયા, ડેનમાર્ક, બેલ્જિયમ, કેમરૂન, ઘાના અને ઉરુગ્વે છે.