FIFA World Cup Qatar 2022: ફૂટબોલ વર્લ્ડ કપની સૌથી મોટી ટ્રોફી પર કબજો મેળવવવા માટે કતારમાં 18 ડિસેમ્બર સુધી બધી ટીમો એડી ચોટીનું જોર લગાવશે. ચાર વર્ષમાં એક વખત યોજાતા ફિફા વર્લ્ડ કપમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો છે. વિજેતા ટીમને સોનેરી રંગની ફિફા વર્લ્ડ કપની ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે. જોકે તમે જાણો છો ચેમ્પિયન ટીમને આપવામાં આવતી ફૂટબોલની આ સૌથી પ્રતિષ્ઠિત ટ્રોફી અસલી હોતી નથી. તમને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના આવા જ કેટલાક ફેક્ટ્સ જણાવી રહ્યા છીએ.
ટ્રોફીનો ઇતિહાસ (History of FIFA World Cup Trophy)
1930 થી 1970 સુધી ફૂટબોલ વર્લ્ડ કપની વિજેતા ટીમને આપવામાં આવતી ટ્રોફીને ‘જૂલ્સ રિમેટ ટ્રોફી’ કહેવામાં આવે છે. વર્તમાનમાં દરેક ચાર વર્ષ થવા પર ફીફા વર્લ્ડ કપની વિજેતા ટીમને જે ટ્રોફી આપવામાં આવે છે તેની શરૂઆત 1974થી થઇ હતી. ફિફા વર્લ્ડ કપની ટ્રોફીની ડિઝાઇનને લઇને ઘણા પ્રકારના પ્રસ્તાવ આવ્યા હતા. 53 મોડલમાંથી ઇટાલીના કલાકાર સિલ્વિયો ગજાનિયાની ડિઝાઇન પસંદ આવી હતી. તેને ટ્રોફી બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી.
ટ્રોફીનો આકાર-પ્રકાર
ફિફા વર્લ્ડ કપ ટ્રોફીની લંબાઇ 36.5 સેમી હોય છે. ટ્રોફી બનાવવામાં 6.175 કિલોગ્રામ 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ થયો છે. ટ્રોફીના ગોળાકાર બેસનો વ્યાસ 13 સેમી હોય છે. તેના બેસ પર ‘FIFA World Cup‘ લખવામાં આવ્યું છે. ટ્રોફી અંદરથી ખોખલી હોય છે.
આ પણ વાંચો – ફિફા વર્લ્ડ કપ 2022માં સામે આવ્યો નવો વિવાદ, આર્મબેન્ડ છે કારણ, જાણો શું છે ઘટના
ફિફા વર્લ્ડ કપની ટ્રોફી આંતરરાષ્ટ્રીય રમતોની સૌથી મોંઘી ટ્રોફી માનવામાં આવે છે. યૂએસએ ટૂડેએ વર્ષ 2018માં અંદાજ લગાવ્યો હતો કે ટ્રોફીની કિંમત 20 મિલિયન ડોલર હશે.
વિજેતા ટીમને નથી મળથી અસલી ટ્રોફી
1930 થી 1970 સુધી ફૂટબોલ વર્લ્ડ કપ જીતનાર ટીમને જૂલ્સ રિમેટ ટ્રોફી આપવામાં આવતી હતી પણ નવી ટ્રોફીના નિયમ અલગ છે. કોઇપણ ટીમને અસલી ટ્રોફી આપવામાં આવતી નથી. અસલી ટ્રોફીના સ્થાને ફિફા વર્લ્ડ કપ ટ્રોફીની રેપ્લિકા (Replica) એટલે કે તેના જેવી દેખાતી ગોલ્ડ પ્લેટેડ તાંબાની ટ્રોફી આપવામાં આવે છે.
અસલી ટ્રોફીને લઇને શું છે નિયમ?
ફિફાનું મુખ્યાલય સ્વિત્ઝર્લેન્ડની રાજધાની ઝ્યૂરિખમાં છે. કેટલાક પ્રસંગને છોડીને ફિફા વર્લ્ડ કપ ટ્રોફી ઝ્યૂરિખ સ્થિત મુખ્યાલયમાં સખત સુરક્ષા વચ્ચે રાખવામાં આવે છે. અસલ ટ્રોફી કેટલાક ઔપચારિક પ્રસંગ પર જ જોવા મળે છે. જેમ કે ટ્રોફી ટૂર, વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો વગેરે. અસલી ટ્રોફીને કેટલાક ખાસ લોકો જ અડી શકે છે. તે ખાસ લોકોમાં રાષ્ટ્ર પ્રમુખો અને પૂર્વ વર્લ્ડ કપ વિજેતા સામેલ છે.