ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન વચ્ચે 2023થી 2027 દરમિયાન એકપણ દ્વિપક્ષીય સિરીઝ રમાશે નહીં. બધા રાજ્યોને મોકલાવવામાં આવેલા ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામમાં (Future Tours Programme/FTP)ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાકિસ્તાન સામે મુકાબલાની કોલમને ખાલી રાખી છે.
ભારત સરકારની મંજૂરી મળવા સુધી બીસીસીઆઈ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી પર કોઇ નિર્ણય કરશે નહીં. બહુ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ સિવાય ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ 2023-2027 સર્કિલમાં 38 ટેસ્ટ (20 ઘર અને 18 વિદેશ), 42 વન-ડે મેચ (21 ઘર અને 21 વિદેશમાં) અને 61 ટી-20 ઇન્ટરનેશનલ (31 ઘરેલું મેદાન અને 30 વિદેશી ધરતી પર) મેચ રમશે.
દર વર્ષે આઈસીસીની એક ઈવેન્ટ અને આઈપીએલ (દરેક સિઝનમાં 75-80 દિવસ) માટે એક મોટો વિન્ડો હોવાના કારણે ભારત ગત સર્કિલના મુકાલબે આગામી સર્કિલમાં ઓછી દ્વિપક્ષીય મેચ રમશે. ગત સર્કિલમાં ભારત 163 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યું હતું. જોકે આગામી ચક્રમાં આ સંખ્યા ઘટીને 141 જ રહી જશે. જોકે બીસીસીઆઈ સચિવ જય શાહે એક સર્કુલરમાં કહ્યું કે ભલે દ્વિપક્ષીય મુકાબલાની સંખ્યા ઓછી થઇ ગઇ હોય પણ ક્વોલિટીમાં સુધારો થયો છે.
આ પણ વાંચો – શું સૌરવ ગાંગુલી હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે? કહ્યું- મોદી, અંબાણી કે તેંડુલકર એક દિવસમાં ના બની શકાય
ભારતીય ક્રિકેટ ટીમ 2023થી 2027 દરમિયાન દર વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ કે સફેદ બોલની શ્રેણી રમશે. એફટીપી કાર્યક્રમ પ્રમાણે ભારત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બન્ને સામે દર બે વર્ષમાં ઘર અને બહારના આધારે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. એટલે કે દર ચાર વર્ષમાં એક ઘરેલું શ્રેણી.
આ સિવાય ત્રણ એકદિવસીય અને પાંચ ટી-20 ઇન્ટરનેશનલના સ્ટેંડઅલોન (જેમાં ટેસ્ટ મેચ સામેલ નહીં હોય) પ્રવાસ પણ હશે. આ પ્રકારે ભારત આ સર્કિલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે દર વર્ષે એક વાર્ષિક શ્રેણી રમશે.
સર્કુલર પ્રમાણે બીસીસીઆઈએ એફટીપીને અંતિમ રુપ આપતા સમયે ત્રણ વાત ધ્યાનમાં રાખી છે. આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સંતુલન સહિત સામગ્રી, બધા ફોર્મેટમાં વિપક્ષી ટીમોની ક્વોલિટી (ઘર અને બહાર બન્ને સ્થાને) નિયમિત હોમ સિઝન અને આઈપીએલ માટે નિશ્ચિત વિન્ડો.